અંજાર સમાચાર
અંજારના મેઘપ૨ બોરીચીમાં આવેલી મંગલમ્ રેસિડેન્સીમાં રહેતો 19 વર્ષનો યશ સંજીવકુમાર તોમર સવારે દસ વાગ્યે નિત્યક્રમ મુજબ એક્ટિવા લઈ ઘેરથી કોલેજ જવા નીકળેલો. સાંજે પાંચ વાગ્યા સુધી તે પરત આવ્યો નહોતો. દરમિયાન, તેની માતાને અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે યશનું અપહરણ કર્યું હોવાનું જણાવી છોડાવવા માટે સવા કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.
ઘટનાના પગલે યશની માતા મોડી રાત્રે 11 વાગ્યે અંજાર પોલીસ સ્ટેશને દોડી ગઈ હતી. પોલીસે અજ્ઞાત શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યશના પિતા ટીમ્બરના વેપારી અને બ્રોકર છે. બનાવ સમયે તેઓ ધંધાર્થે દિલ્હી હતા અને આજે પરત આવી ગયાં છે.મોડી રાત્રે અપહરણ અને ખંડણીનો બનાવ ધ્યાને આવતાં અંજાર પીઆઈ એસ.ડી. સિસોદીયા તુરંત હરકતમાં આવી ગયાં હતાં. બનાવ અંગે તત્કાળ વડા અધિકારીઓનું ધ્યાન દોરવા સાથે તમામ પોલીસ મથકોમાં જાણ કરી દેવાઈ હતી. બનાવને ગંભીરતાથી લઈ એસપી સાગર બાગમાર અને નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીએ LCB, SOG અને આસપાસના પોલીસ મથકના અધિકારીઓ કર્મચારીઓની વિવિધ દસ ટીમ બનાવી ગહન તપાસ શરૂ કરાવી છે. પોલીસ સૂત્રોએ સીસીટીવી ચેક કરતાં લાપત્તા યશ છેલ્લે આદિપુર સંતોષી માતાના મંદિર નજીક સ્પોટ થયો હતો. તે સમયે તેની પાછળ અજાણ્યો શખ્સ પણ બેઠેલો જણાય છે.પોલીસે જે નંબર પરથી ફોન આવેલો તે નંબર ટ્રેસ કરતાં તે નંબર ગાંધીધામના જ એક છૂટક ફળફળાદિ વેચતાં શખ્સનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેને ઉપાડીને પૂછતાછ કરતાં તેણે અજાણતા વ્યક્ત કરી છે.
આ શખ્સની આઈડીના આધારે ભળતી વ્યક્તિએ જ સીમ કાર્ડ કઢાવ્યું હોવાની શક્યતા છે. પોલીસે લાપત્તા યશના સહાધ્યાયીઓ સાથે પણ ચર્ચા કરી પરંતુ કોઈ વિશેષ કડી મળી નથી. યશનો મોબાઈલ ફોન સતત સ્વિચ્ડ ઓફ્ફ છે. તેનું વાહન પણ મળ્યું નથી. જે નંબરથી ખંડણી માંગવામાં આવી હતી, તે નંબર પણ બંધ થઈ ગયો છે અને ફરી ફોન આવ્યો નથી. પોલીસ વિવિધ એંગલ ૫૨ ગહન તપાસ કરી રહી છે.