ધરમનગરમાં પારિવારિક મિલકત પ્રશ્ને યુવાને ગળાફાંસો ખાધો: હાલત ગંભીર
શહેરમાં કુવાડવા રોડ ઉપર રહેતા યુવાને બેંકની લોન પર બોલેરો ગાડી લીધા બાદ હપ્તા નહીં ભરી શકતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અન્ય બનાવમાં ધરમનગર વિસ્તારમાં રહેતા યુવાને પારિવારિક મિલકતના પ્રશ્ને ચાલતી માથાકૂટમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ ઉપર આવેલી પટેલ વિહાર હોટલ પાછળ રહેતા સુરેશ રણછોડભાઈ ગોહિલ નામનો 32 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં પંખામાં દોરડુ બાંધી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર સુરેશ ગોહિલ ચાર ભાઈ એક બહેનમાં વચ્ચે અને તેને સંતાનમાં બે પુત્ર છે બેંકની લોન પર સુરેશ ગોહિલે બોલેરો ગાડી લીધી હતી પરંતુ ફેરા નહીં મળતા લોનના હપ્તા ચડી જતા ગળેફાંસો ખાઈ લીધો હતો પરંતુ પત્ની જોસનાબેન જોઈ જતા પતિનો જીવ બચ્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય બનાવમાં મૂળ ધારી પંથકના વતની અને હાલ રાજકોટમાં 40 ફૂટ રોડ ઉપર આવેલી ધરમનગર સોસાયટીમાં રહેતા દિપક જયેન્દ્રભાઈ દાફડા નામનો 28 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે મિલકતના પ્રશ્ને પરિવાર સાથે ચાલતી અદાવતથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.