રેસકોર્ષ એથલેટીક ગ્રાઉન્ડમાં રનીંગ સમયે જ હૃદય બંધ થઈ ગયું: ભરવાડ પરિવારમાં અરેરાટી
રાજકોટમાં પોપટપરામાં રહેતો ભરવાડ યુવાન પોલીસ ભરતી માટે રનીંગની તૈયારી કરી રહ્યો હતો તે માટે રનીંગ કરવા રેસકોર્સમાં આવેલ એથલેટીક ગ્રાઉન્ડમાં દોડવા માટે ગયો હતો ત્યારે ચાલુ રનીંગે યુવાનનું હૃદય બેસી જતાં તેનું મોત નિપજયું છે.
આશાસ્પદ યુવાનના મોતથી ભરવાડ પરિવારમાં ગમગીની છવાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ ભાવેશભાઈ કાનાભાઈ મકવાણા નામનો ૨૮ વર્ષીય યુવાન પોલીસ ભરતીની તૈયારી માટે રેસકોર્સ એથલેટીક ગ્રાઉન્ડમાં રનીંગ માટે વહેલી સવારે દરરોજ આવતો હતો. નિયમીત રીતે આજે વહેલી સવારે પણ તે રનીંગ માટે આવ્યો હતો ત્યારે રનીંગ કરતી વેળાએ તેનું હૃદય બેસી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવારમાં મોત નિપજયું છે.
બનાવની જાણ પ્ર.નગર પોલીસને થતાં સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ભાવેશ મુળ ભાણવડનો હતો અને પોલીસ ભરતીની તૈયારી માટે દરરોજ રનીંગ માટે એથલેટીક ગ્રાઉન્ડમાં આવતો હતો ત્યારે હૃદય બેસી જતાં તેનું મોત નિપજયું છે. ભાવેશભાઈ બે ભાઈઓમાં નાનો હતો અને બેડી ચોકડી પાસે ચાનો ધંધો કરતો હતો અને બે વર્ષ પૂર્વે તેના લગ્ન થયા હતા. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી છે.