વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં આજી ડેમ પાસે ફોટા સાથેની પોસ્ટ વાયરલ કરી: પોતાના આપઘાત અંગે જવાબદાર નથી લખેલા મેસેજથી પરિવારમાં દોડધામ
ભગવતીપરા નજીક આવેલા જય જવાન જય કિશાન સોસાયટીના કોળી યુવાને પોતાના મોબાઇલમાં આજી ડેમમાં પડી આપઘાત કરવા અંગેનો મેસેજ વોટસએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેશબુકમાં વાયરલ કરી ભેદી રીતે ગુમ થતા યુવકની ભાળ મેળવવા પરિવારજનો, ફાયર બ્રિગેડ અને બી ડિવિઝન પોલીસ ધંધે લાગી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા અને પ્લાસ્ટીકની કોથળીનું કામ કરતા જગદીશભાઇ રુડાભાઇ સરવૈયા નામના 35 વર્ષના કોળી યુવાન ગઇકાલે બપોરના ઘરેથી નીકળ્યા બાદ આજી ડેમે ગયો હતો.
ત્યાં આજી ડેમ ખાતે પોતાના મોબાઇલમાં સેલ્ફી લીધી હતી અને પોતાના ફોટાની સાથે જીંદગીથી કંટાળી ગયો છું, એટલે આજી ડેમમાં પડી આપઘાત કરી રહ્યો છું, પોતાના આપગાત અંગે પરિવારની કોઇ વ્યક્તિ જવાબદાર ન હોવાનું લખી સૌ પ્રથમ પોતાની બહેનને વોટસએપ કર્યા બાદ ઇન્સ્ટાગ્રામ અને ફેશબુકમાં વાયરલ કર્યા બાદ તેનો મોબાઇલ સ્વીચ ઓફ થઇ ગયો હોવા અંગેની લાતી પ્લોટ શેરી નંબર 10માં રહેતા સંજયભાઇ રુડાભાઇ સરવૈયાએ બી ડિવિઝન પોલીસમાં ગુમ નોંધ જાહેર કરી છે.
બે ભાઇ અને એક બહેનમાં નાનો સંજય સરવૈયાને બે પુત્રી છે. છ માસ પહેલાં વડીલોપાર્જીત મકાનના બાયુ ભાગ પાડતા જુનુ મકાન સંજયભાઇ સરવૈયાએ સંભાળ્યું હતું અને ગુમ થનાર જગદીશભાઇને છ લાખ રોકડા આપ્યા હતા. ત્યાર બાદ તે માંડા ડુંગરમાં મકાન ખરીદ કરવા અંગેની વાત ચીત કરતો હતો પણ હજી સુધી તેને મકાન ખરીદ કર્યુ ન હતુ અને જય જવાન જય કિશાન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હોવાનું સંજયભાઇ સરવૈયાએ જણાવ્યું હતું.
જગદીશભાઇ સરવૈયાએ આજી ડેમમાં પડતું મુકી આપઘાત કર્યા અંગેનો મેસેજ વાયરલ કર્યા બાદ તેનો મોબાઇલ સ્વીચ ઓફ થઇ જતા પોલીસ અને ફાયર બ્રિગેડ સ્ટાફે આજી ડેમ ખાતે તપાસ કરી હતી પરંતુ તેની હજી સુધી કોઇ ભાળ મળી ન હતી.