રાજુલામાં અંબરીશ ડેરે ડાયાલીસીસ સેન્ટર શરૂ કરાવ્યું
રાજુલામાં પ્રખર રામાયણી પૂ.મોરારીબાપુના હસ્તે ડાયાલીસીસ સેન્ટરનો આરંભ કરાવવામાં આવ્યો હતો. રાજુલા ખાતે આશરે દોઢેક વર્ષ પહેલા અંદાજે રૂપિયા પોણા સાત કરોડના ખર્ચે અદ્યતન જનરલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. હોસ્પિટલમાં ડાયાલીસીસની સુવિધા ન હોવાના કારણે રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના દર્દીઓએ ફરજીયાતપણે મહુવા, સાવરકુંડલા, ભાવનગરની હોસ્પિટલોમાં ડાયાલીસીસ કરાવવા જવુ પડતું.
ધારાસભ્ય અંબરીશ ડેરે સરકારમાં અનેકવાર રજુઆતો કરી હતી. તે માટે ધારાસભ્ય ડેરે રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ રાજુલા દ્વારા અહીંના આવા પ્રકારના રોગોએ પીડાતા દર્દીઓ માટે નિ:શુલ્ક ડાયાલીસીસ સેન્ટર અને ઓપીડી સેન્ટર મકાનમાં રીનોવેશન કરાવી નવા ફર્નીચર મશીનરી વસાવી પૂ.વિશ્વ વંદનીય સંત પૂ.મોરારીબાપુના વરદ હસ્તે શુભારંભ કરાયો હતો. આજના આ યોજાયેલા કાર્યક્રમમાં રાજુલા શહેર અને તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં અઢારેય વરણના આગેવાનો જોડાયા હતા. ડાયાલીસીસ કરાવતા ઈચ્છતા દર્દીઓને સવારના ૮ થી રાત્રીના ૮ સુધી આ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ આજરોજથી શ‚ થઈ ગઈ છે.
આ તકે પૂ.મોરારીબાપુએ જણાવ્યું કે, રાજુલાની દિવ્ય-સેવામય-ભૂમિમાં ગઈકાલે મંગળવારે સવારે મોરારિબાપુએ પોતાના ઉમળકો-પ્રસન્નતા પ્રગટ કરતા ખુબ ભાવપૂર્વક-સંવેદનાપૂર્વક બોલતા કહ્યું હતું કે, અહીં જ સેવા થવાની છે તેનું આ પ્રથમ ચરણ છે. અંબરીશ આ પહેલો ફેરો છે, ચાર ફેરા થશે અને આ નિ:શુલ્ક છે. આવી મુલ્યવાન સદપ્રવૃતિ શોધવી મુશ્કેલ છે. આ રોડ શો નથી આ તો ગોડ શો છે. અંબરીશ ડેરની પ્રવૃતિઓ માટે હું આવું જ પરમાત્માનું દર્શન (ગોડશો) એટલે છેલ્લામાં છેલ્લી વ્યકિતની ખેવના-સેવા, પરમાત્માનું દર્શન એટલે પ્રેમ કરવો, અહીં હનુમાનજીની સાધના બહેનો કરી રહી છે, આ એક તપેલા સ્થાનનું વજન છે. હનુમાનજીનું સ્થાન હોય ત્યાં બધુ જ ચરિતાર્થ થતું હોય છે.
અંબરીશ ડેર નામનો યુવાન ડેરો નાખીને બેઠો છે અને હરીશભાઈ મહેતા, અનિલભાઈ મહેતા (મુંબઈ), માયાભાઈ આહિર અને આખી યુવા ટીમ આ સેવા પ્રવૃતિમાં લાગી છે. કોઈ નિ:શુલ્ક સેવાની પ્રવૃતિ થતી હોય ત્યારે એક સાધુ તરીકે મારા રોમેરોમમાં દીવા પ્રગટે છે. સેવા એ પૈસાનો પ્રદેશ જ નથી. આપણા યાર કમ છે ધર્મ, અર્થ, કામ પણ એનો રસ મળે એ જ‚રી છે. આજે દેશમાં જે કાંઈ યોજનાઓ થાય એ છેલ્લા માણસ સુધી પહોંચે, ઝુંપડા સુધી પહોંચે એ જોવું જોઈએ. સમજદાર માણસો સમયસર નહીં સમજે તો દેશ સમાજને નુકસાન થશે.