Gondal : વિજ્ઞાન અને ટેકનોલોજીની સદીના યુગમાં પણ અમુક બનાવો આપણને ફરી 18મી સદીની યાદ અપાવે છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટના ગોંડલમાં બન્યો છે કે જ્યાં એક યુવકે કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો છે. ગોંડલ તાલુકાના ભોજપરા ગામે યુવકે છરી વડે જાતે પોતાનું ગળું કાપી કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ આધેડની હાલત ગંભીર હોય તેને પ્રથમ ગોંડલ અને બાદમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલમાં જેતપુર રોડ પર આવેલી ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ભોજપરા વિસ્તારમાં આવેલા ચંદ્રમૌલેશ્વર મંદિરે ગયા હતાં અને શિવલિંગની પૂજા બાદ તેમણે પોતાના ગળા પર છરી ફેરવી કમળપૂજા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ તેમની તેવી હાલત જોઇને દર્શને આવેલા ભક્તો તેમજ મંદિરના પૂજારી દોડી આવ્યા હતા હતા અને તેને ગોંડલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ
47 વર્ષીય ધર્મેન્દ્રસિંહ ઝાલાને પ્રથમ ગોંડલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત વધુ ગંભીર હોવાથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હજુ કમળપૂજા પાછળનું કારણ અકબંધ છે. આ બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીએ એન્ટ્રી કરીને ગોંડલ પોલીસને જાણ કરી છે.