જમીનના ડખ્ખામાં યુવાનને ફાર્મ હાઉસ લઈ જઈ માર માર્યો
નવાગામમાં રહેતા યુવાનને જમીનના ડખ્ખામાં રાજકોટના પાંચેક જેટલા શખ્સોએ કારમાં અપહરણ કરી વાછપર બેડી પાસે ફાર્મ હાઉસે લઈ જઈ માર મારી હડાળાના પાટિયા પાસે ફેંકી દીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજ રોજ વહેલી સવારે ૬ વાગ્યાના અરસામાં મોરબી રોડ પર હડાળાના પાટિયા પાસે આવેલી મોમાઈ હોટલ પાસેથી રાજકોટ નવાગામમાં રહેતો દિનેશ હઠાભાઈ મૂંધવા નામનો ૨૫ વર્ષનો શખ્સ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો સ્ટાફ તુરંત હોસ્પિટલ દોડી ગયો હતો.
હોસ્પિટલના બિછાને રહેલા દિનેશ મૂંધવાએ જણાવ્યા મુજબ ગઈ કાલે પોતે પોતાના બુલેટ બાઇક પર પોતાના વતન બીલેશ્વર વાંકાનેરથી પરત આવતો હતો. તે દરમિયાન રસ્તામાં રાજકોટના પિયુષ બાબુ માટીયા સહિતના પાંચ શખ્સોએ દીનેશના બુલેટને આંતરી તેનું કારમાં અપહરણ કરી વાછપર બેડી પાસે આવેલા માટીયા ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા. જ્યાં દીનેશને પાંચેય શખ્સોએ બેફામ માર મારી હડાળાના પાટિયા પાસે ફેંકી દીધો હતો.
દિનેશ મૂંધવાને છેલ્લા બે માસથી પિયુષ માટીયા સાથે કુવાડવા પાસે આવેલી બાલાજી પાર્કની જમીનને માથાકૂટ ચાલતી હતી. જેના કારણે દિનેશ મૂંધવા વાંકાનેર બીલેશ્વર ખાતે ગયો હોવાનું પિયુષ માટીયાને જાણ થતાં સાગરીતો સાથે મળી કાર લઈને પહોંચી જઈ દિનેશના બાઇકને ટક્કર મારી અપહરણ કરી માટીયા ફાર્મ હાઉસ લઈ ગયા હતા. જ્યાં દિનેશને ઢોર માર મારી હડાળાના પાટિયા પાસે આવેલી મોમાઈ હોટલ પાસે ફેંકી દીધો હતો. જ્યાંથી હોટલના માણસોએ ૧૦૮માં કોલ કરી યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
દિનેશ મૂંધવા અને પિયુષ માટીયા વચ્ચે છેલ્લા બે માસ રૂડામાં આવેલી બાલાજી પાર્કની જમીન બાબતે ડખ્ખો ચાલતો હોવાનું હોસ્પિટલના બિછાનેથી યુવાને જણાવ્યું હતું. જે મામલે ગઈ કાલે દિનેશ પોતાના વતન બીલેશ્વરથી પરત આવતો હતો ત્યારે અપહરણ કરી ફાર્મ હાઉસ લઈ જઈ ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
અપવૃદ્ધ યુવાને બાબુ માટીયાના પુત્ર સામે ગુનો નોંધવાનું ટાળ્યું
નવાગામમાં રહેતા દિનેશ મૂંધવાને કુવાડવા પાસે આવેલી બાલાજી પાર્કની જમીન બાબતે સામાંકાંઠના રાજકીય કાર્યકર બાબુ માટીયાના પુત્ર પિયુષ માટીયા સાથે માથાકૂટ ચાલુ હતી. જેના કારણે ગત રાત્રે જ પિયુષ માટીયા અને તેના સાગરીતોવ દિનેશના બાઇકને ટક્કર મારી તેનું અપહરણ કરી વાછપર બેડી પાસે માટીયા ફાર્મ હાઉસ લઈ જઈ માર માર્યાની ઘટના પ્રકાશમાં આવતા શહેરભરમાં ચકચાર મચી ગયો છે.
ત્યાર બાદ મામલો બીચકતા પોલીસમાં અને મોટા માથાના પણ ભલામણનો દોર શરૂ કર્યો હતો. સવાર સુધીમાં ચકચારી મચેલા અપહરણ કેસમાં બપોર સુધીમાં કેસ થાળે પડી ગયો હતો અને ત્યાર બાદ હાલ ઇજાગ્રસ્ત દિનેશ મૂંધવા અને રાજકિય કાર્યકર બાબુ માટીયાના પુત્ર અપહરણ કરનાર પિયુષ માટીયા વચ્ચે સમાધાન થઈ ગયું હતું જેથી હજુ સુધી પણ પોલીસમાં કોઈ ફરિયાદ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.