- હોટલમાં રોકાયેલો મુંબઈનો યુવક લાપતા બન્યો
- મુંબઈથી આવીને પત્નીએ મેંઘપર પોલીસ મથકમાં ગુમનોંધ કરાવતાં પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરાઈ
જામનગર ન્યુઝ : જામનગર- ખંભાળિયા હાઈવે રોડ પર મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક હાઇવે હોટલમાં ઉતરેલા મુંબઈના એક યુવાન એકાએક લાપતા બની જતાં મુંબઈથી તેની પત્નીએ જામનગર આવ્યા પછી મેઘપર- પડાણા પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે, એકાએક લાપતા બની ગયેલા તેના પતિની શોધખોળ શરૂ કરાઇ છે. આ બનાવની વિગત એવી છે કે મુંબઈમાં સોનમ હાઈટ ફ્લેટ ન્યુ ગોલ્ડ જૈન બંગલાની પાસે ભાયન્દર ઇસ્ટ માં રહેતા રાજીવ પ્રકાશચંદ્ર મિશ્રા (ઉ.વ.૩૭) કે જેઓ આજથી એક સપ્તાહ પહેલાં પોતાના કામ સબબ જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવ્યા હતા, અને ખંભાળિયા હાઇવે રોડ પર મોટી ખાવડી નજીક લોડ્ઝ હોટલમાં રોકાયા હતા. જયાંથી ગત ૬ તારીખે રાત્રે ૯.૦૦ વાગ્યાના અરસામાં કોઈને જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા, અને ત્યારબાદ આજ દિન સુધી તેનો કોઈ પતો સાંપડ્યો ન હતો.
તેઓનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો, જેથી મુંબઈમાં રહેતા તેના પત્ની પિન્કીબેન રાજીવ મિશ્રા, કે જેઓએ ચિંતા વ્યક્ત કરી હતી, અને જામનગર દોડી આવી મેઘપર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં તેણીએ પોતાના પતિ રાજીવ મિશ્રા ગુમ થયાની ગુમનોંધ કરાવી હતી, જેથી મેઘપર પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
સાગર સંઘાણી