રાજકોટ: અયોધ્યા ખાતે રામમંદિરના ભૂમિપૂજન બાદ ઇન્દોરના એક યુવાનને સનાતન ધર્મની લગની લાગી છે. ઇન્દોરનો વિનોદ યાદવ નામનો યુવાન રામમંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં ઉપસ્થિત હતો અને ત્યારબાદ તેને સનાતન ધર્મની લગની લાગતા 12 જ્યોતિર્લિંગ, ચારધામ, 12 શક્તિપીઠના પ્રવાસે જવા નિશ્ચય કર્યો હતો. આ યુવાન પોતે જાતે બાઇક ચલાવી 12 જ્યોતિર્લિંગના દર્શને નીકળ્યો છે અને તેમાં તે સાથે શંકર-પાર્વતીની મૂર્તિ રાખી છે.
રાજકોટ આવી પહોચેલા વિનોદ યાદવે જણાવ્યું હતું કે, ટેકનોલોજીના યુગમાં લોકો સનાતન ધર્મ ભૂલી રહ્યાં છે. વિનોદ યાદવ ઇન્દોરમાં ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરી રહ્યો છે. રાધે રાધે બાબાના ડ્રાઇવર તરીકે અયોધ્યા ખાતે 5 ઓગસ્ટ 2020ના રોજ ભગવાન રામમંદિરના ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહ્યો હતો. અહીંથી તેને 12 જ્યોતિર્લિંગ, ચારધામ અને 12 શક્તિપીઠના દર્શન કરવા નિર્ણય કર્યો હતો. આજે આ યુવાન 4 જ્યોતિર્લિંગ અને 2 શક્તિપીઠના દર્શન કરી ત્રંબકેશ્વર જવા રવાના થયો છે.