પાટડીના મોઢવાણા ગામના વતની અને હળવદમાં રહેતા માતા-પિતા વિહોણા પુત્રના આકસ્મિક મૃત્યુ
અબતક, રાજકોટ
હળવદ: મૂળ પાટડીના મોઢવાણા ગામના વતની અને હળવદ પંથકમાં આંટાફેરા કરી જીવિત ગરોળી,વીંછી, સાપ અને પથ્થરો ગળી વિજ્ઞાન અને તબીબો માટે કોયડા સમાન બનેલા મુકેશ ઠાકોર નામના યુવાનનું સુરેન્દ્રનગર નજીક ટ્રેન હડફેટે મૃત્યુ નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે.
છેલ્લા એક દાયકાથી તબીબીજગત અને વિજ્ઞાન માટે કોયડારૂપ બનેલ મૂળ પાટડી તાલુકાના મોઢવાણા ગામનો મુકેશ લીલાપરા નામના યુવાનના માતા-પિતા મૃત્યુ પામતા તેમના દાદા સાથે રહેતો હતો અને મોટાભાગનો સમય હળવદ તાલુકાના ગામોમાં પસાર કરી મસ્ત ફકીરી જિંદગી વ્યતીત કરી પાનની દુકાન કે જાહેર સ્થળો ઉપર ગરોળી દેખાતા જ જીવિત ગરોળી પકડી પેટમાં પધરાવી દેતો આ યુવાન અખબારો અને ઇલેક્ટ્રોનિક મીડિયા થકી દેશ દુનિયામાં જાણીતો બની ગયો હતો.
નોંધનીય છે કે નોખી માટીનો બનેલો આ યુવાન મુકેશ ઠાકોર અવાર નવાર ગરોળી ઉપરાંત સાપ, વીંછી સહિતના ઝેરી જનાવર પણ ખોરાકની માફક ગળી જવાની સાથે નાના મોટા કાળમીંઢ પથ્થરો પણ આરોગી જતો હોવાથી તબીબી જગત માટે કોયડારૂપ બન્યો હતો. જો કે રખડતું, ભટકતું જીવન વ્યતીત કરતા મુકેશ ઠાકોરનું સુરેન્દ્રનગર નજીક ટ્રેન હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું અને તેના મૃત્યુના સમાચાર હળવદ પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.