બાબરાના ચાવંડ ગામેથી સાળાના લગ્નમાંથી પરત ફરતી વેળાએ યુવકને કાળ ભેટ્યો: બે સંતાનોનએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ
શહેરમાં મવડી મેઈન રોડ પર આવેલા ઉદયનગરમાં રહેતો યુવાન બાબરાના ચાવંડ ગામેથી સાળાના લગ્નમાંથી પરત ફરી રહ્યો હતો. ત્યારે કાળીપાટ ગામ પાસે નાલાની દિવાલ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના મવડી મેઇન રોડ પર આવેલા ઉદયનગરમાં રહેતા અને ડીસ કનેક્શનમાં નોકરી કરતા અશોકભાઈ હાદાભાઈ બંધીયા નામનો 33 વર્ષનો યુવાન પોતાની કાર લઇ આવતો હતો. ત્યારે વહેલી સવારે શહેરની ભાગોળે આવેલ વિઠ્ઠલવાવ અને કાળીપાટ ગામ વચ્ચે કાર નાલાની દિવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કાર ચાલક અશોકભાઈ બંધીયાનું કરુણ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ ઘટના અંગે જાણ થતા આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે જરૂરી કાર્યવાહી કરી મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અશોકભાઈ બંધીયા બે ભાઈમાં મોટો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મૃતક યુવાન ડીસ કનેક્શનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને અશોક બંધિયા બાબરાના ચાવંડ ગામે રહેતા સાળાના લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો. ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.