કારખાનેદાર યુવાન પિતરાઈ ભાઈના લગ્નમાં ગરબા રમ્યા બાદ ઘરે આવી ઢળી પડ્યો’તો
હાલ રાજકોટ સહિત રાજ્યભરમાં યુવાવસ્થામાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ રાજ્યમાં રમતા રમતા અનેક યુવાનો મોતને ભેટ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક ઘટનામાં ફઈના પુત્રના લગ્નમાં દાડિયારાસ રમ્યા બાદ ઘરે આવેલા કારખાનેદારનું હૃદય બેસી જતા કરૂણ મોત નીપજ્યું હતું. કારખાનેદાર યુવકના મોતથી માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં મવડી મેઇન રોડ પર આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને પીરવાડી પાસે કારખાનું ધરાવતા અમિત વસંતભાઈ ચૌહાણ નામનો 36 વર્ષનો કારખાનેદાર યુવાન રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જેથી યુવકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી કારખાનેદાર યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવિયાનગર પોલીસને જાણ કરતા માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી કારખાનેદાર યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક અમિત ચૌહાણ ત્રણ ભાઈ એક બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે.
અમિતભાઈ ચૌહાણ પીરવાડી પાસે સોની કામની ડાય બનાવવાનું કારખાનું ચલાવતા હતા. બાજુમાં જ રહેતા કૌટુંબિક ફઈના પુત્ર અક્ષય ખેરૈયાના લગ્ન હોવાથી રાત્રિના દાંડિયા રાસનો કાર્યક્રમ હતો. તેમાં અમિતભાઈ ચૌહાણ દાંડિયા રાસ રમવા ગયા હતા અને દાંડીયારાસ રમી અમિતભાઈ ચૌહાણ ઘરે પરત ફર્યા હતા. ત્યારે અમિતભાઈ ચૌહાણનું હૃદય બેસી જતા મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.