લાયન્સ ક્બલના પૂર્વ પ્રમુખ અને અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા સચીનભાઇ મણીયારનું અવસાન
યુવાનોમાં વધતા જતા હૃદ્યરોગના હુમલાના પ્રમાણે ચિંતા વધારી: ગઇકાલે દાંડીયારાસ રમ્યા બાદ યુવકનું મોત નિપજ્યુ’તુ
રાજકોટ સહિત રાજ્યભરમાં યુવાનોમાં વધતા-જતાં હૃદયરોગના હુમલાના કારણે ચિંતાનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે રાજકોટમાં પણ બે દિવસમાં બે યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગઇકાલે મવડી મેઇન રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં રહેતા યુવાન દાંડીયારાસ રમ્યા બાદ ઘરે આવ્યો હતો અને તેને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. જ્યારે આજરોજ વહેલી સવારે રાજકોટમાં જીવનદીપ સોસાયટીમાં રહેતા અને લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ સચીનભાઇ મણીયારને પણ હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યુ છે.
રાજકોટ અને ગુજરાતભરમાં યુવાવસ્થામાં વધતા-જતાં હાર્ટ એટેકના પ્રમાણે આરોગ્ય વિભાગ અને લોકોમાં ચિંતા પ્રસરી રહી છે. છેલ્લા ઘણા સમયથી તંદુરસ્ત યુવાનોમાં પણ હાર્ટ એટેકના પ્રમાણ વધ્યા છે. દાંડીયારાસ રમ્યા બાદ, ક્રિકેટ રમતા-રમતા, ફૂટબોલ રમતા કે અન્ય કોઇ રમતો સાથે જોડાયેલા યુવાનો અથવા તો નિયમિત રીતે ડાયેટ પ્લાન સાથે જીમ કરતા યુવાનોમાં પણ હાર્ટ એટેકના પ્રમાણ વધી રહ્યા છે.
રાજકોટમાં વહેલી સવારની ઘટનાની જાણવા મળતી વિગત મુજબ જીવનદીપ સોસાયટીમાં શેરી નં.1માં રહેતા અને લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ તેમજ સત્યમ્ ફાઉન્ડેશનના નેજા હેઠળ અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા સચીનભાઇ ચંદ્રકાંતભાઇ મણીયાર (ઉ.વ.46)ને આજરોજ વહેલી સવારે 3:00 વાગ્યાના આસપાસ પોતાના ઘરે છાતીમાં દુ:ખાવો ઉપડતા બેભાન હાલતમાં તાત્કાલીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ જ સવારે 5:00 વાગ્યાની આસપાસ સચીનભાઇ મણીયારે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ છે. સદ્ગત પામેલા સચીનભાઇ મણીયારના પરિવારજનોએ ચક્ષુદાન કરવાનો સરાહનીય નિર્ણય લીધો છે. સચીનભાઇ મણીયાર લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ હતા અને સત્યમ્ ફાઉન્ડેશનના નેજા હેઠળ અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. સચીનભાઇના પિતા ચંદ્રકાંતભાઇ નિવૃત્ત એલ.આઇ.સી.ના અધિકારી હોવાનું જાણવા મળ્યું છે.
તો બીજી તરફ ગઇકાલે જ શહેરની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને પીરવાડી ખાતે કારખાનું ધરાવતા અમિતભાઇ વસંતભાઇ ચૌહાણ નામના 36 વર્ષીય યુવાન કારખાનેદાર પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. તેઓને તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક અમિતભાઇ ચૌહાણ પોતાની બાજુમાં રહેતા કુટુંબીક ફઇના પુત્રના લગ્નમાં ગયા હતા. જ્યાં દાંડીયારાસ રમ્યા બાદ ઘરે પરત ફરતા તેઓને હૃદયરોગનો હુમલો આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.