વરસાદ માણવા નીકળેલા યુવકે પાણીનો ખાડો ટપી સીડી પકડતા સર્જાઈ ઘટના: પરિવારમાં કલ્પાંત

અટિકા ઈન્ડ.એરિયામાં ઇલેક્ટ્રિક પોલ અડી જતા શ્રમિકને કરંટ લાગ્યો: હાલત ગંભીર

સૌરાષ્ટ્રભરમાં વાવાઝોડા બાદ ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવા લાગ્યો છે. તેના કારણે ત્યાંથી આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા લોખંડની સીડીઓ અને રેલિંગમાં પણ વીજપ્રવાહ પસાર થતા જોખમી કારક સાબિત થઈ રહ્યું છે. જેના કારણે શહેરમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. શહેરના લાખાજી રોડ પર વરસાદ માણવા નીકળેલ પરપ્રાંતીય યુવક કોમ્પલેક્ષની સીડીને પકડવા જતાં જ વિજકરંટ લાગ્યો હતો જેના કારણે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્તા અરેરાટી વ્યાપી ગઈ હતી. તો અન્ય બનાવમાં અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પણ એક શ્રમિક પાણીનો ખાડો કૂદવા જતા ઇલેક્ટ્રિક પોલને અડકી જતાં તેને વીજશોક લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના અને હાલ રામાપીર ચોકડીથી આગળ દ્વારકાધીશ હોટલ પાસે ભાડે રૂમ રાખી રહેતાં અમિતભાઇ ફાબુભાઈ ખુરાના (ઉ.વ.30) ગઈકાલે સાંજે આઠેક વાગ્યાની આસપાસ વરસાદ થોડો ધીમો પડ્યા બાદ લાખાજી રોડ પર વોકિંગમાં નીકળ્યો હતો. તે દરમિયાન તે માધવ કોમ્લેક્સ પાસે પહોંચતા ત્યાં રોડ પર પાણી ભરેલ હોય જેથી પાણી ઠેકવા જતાં તે માધવ કોમ્પ્લેક્સની લોખંડની સીડીને પકડી લિધી હતી. સીડીમાં વીજપ્રવાહ પસાર થતો હોવાથી યુવકને વિજકરંટ લાગતાં બેભાન થઈ ગયો હતો. બનાવ સ્થળે એકઠાં થયેલ લોકોએ યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ તેનું સારવાર મળે તે પહેલાં જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના સબંધીએ જણાવ્યું અનુસાર, અમિત બે વર્ષ પહેલાં તેની પત્ની અને પુત્રી સાથે રાહકોટ આવ્યો હતો. જે બાદ તેની માતાનું મોત થતાં તેની પત્ની અને પુત્રીને વતનમાં મૂકી એક માસ પેહલાં જ પરત રાજકોટ આવ્યો હતો. તે ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. વરસાદ માણવા નીકળ્યા બાદ યુવકને કાળ ભેટતા પરિવારમાં આક્રંદ છવાયો છે.જ્યારે અન્ય બનાવમાં પણ મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ રાજકોટમાં રહી મજૂરીકામ કરતા સુરેશભાઈ સમયભાઈ ચૌધરી નામના 32 વર્ષીય યુવાનને વીજશોક લાગતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસને જાણ થતાં તુરંત સિવિલ ખાતે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સુરેશ રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે પાણીના ખાડાને કૂદવા જતા વીજપોલને અડકી જતાં કરંટ લાગ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.