ચેક રિટર્ન કેસમાં જેલવાસ ભોગવ્યા બાદ
બેંક કર્મીએ મંડળીમાંથી લીધેલી લોનના પૈસા ચૂકવવા બાબતે ચેક બાઉન્સ થતા જેલ જવું પડ્યું’તું
શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા બેંક કર્મચારીએ મંડળીમાંથી લીધેલી લોનમાં ચેક બાઉન્સ થતા જેલવાસ ભોગવી આવેલા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બેંકમાં નોકરી કરતા યુવકે આગળ નોકરી મળશે કે કેમ તેની ચિંતામાં જીવન ટૂંકાવ્યું હોવાનુ સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર આવેલા સ્લમક્વાર્ટરમાં રહેતાં રવિભાઈ ચમનભાઈ પઢીયાર (ઉ.વ.35) નામના બેંક કર્મચારીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સરપદળ ગામમાં આવેલી દેના બેંકમાં પટાવાળા તરીકે ફરજ બજાવતાં રવિભાઈ ગઈકાલે રાત્રે પોતાના ઘરે આઠ વાગ્યાની આસપાસ પરિવાર સાથે જમ્યા બાદ પોતાના રૂમમાં જઈ પંખાના હુકમાં સાફાની ચુંદડી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પડોશીએ બારીમાંથી જોતાં યુવક લટકેલી હાલતમાં જોવા મળતાં ઘર બહાર બેસેલ તેની પત્નીને જાણ કરી હતી.
જેથી પરિવારે 108ને જાણ કરી સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પેહલાં જ યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતકે એક મંડળીમાંથી લોન લીધી હતી. જેના હપ્તાના આપેલા ચેક બાઉન્સ થતાં મંડળીએ તેની પર પોલીસ કેસ કર્યો હતો. જે મામલે તેને 15 દિવસ જેલમાં રહ્યા બાદ ગત તા.1લી મેના જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો. જે બાદ તેને નોકરીમાં હાજર થવા માટે બેંક તરફથી કાગળીકીય માહિતી માંગતા તે ચિંતામાં રહેતો હતો. જેથી નોકરી પરત નહીં મળે તો તેની ચિંતામાં અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક ત્રણ ભાઈ એક બહેનમાં વચ્ચેટ અને તેમનાં લગ્ન સાત વર્ષ પહેલાં થયાં હતાં અને સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.