આર્થિકભીંસથી પરિવાર થયો વેરવિખેર

ખાવા અને રહેવા માટે પૈસા ન હોવાથી ભર્યું પગલું: યુવકે ઝેરી દવા પી ગળામાં બ્લેડના ઘા મારતાં સારવારમાં

વડોદરાના કલાભુવન પાસે પિરામીતાર રોડ ઉપર આવેલી કાછિયા પોળમાં રહેતા પંચાલ પરિવારના પતિ, પત્ની અને પુત્રએ આપઘાતના કરેલા પ્રયાસમાં માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે પતિએ ઝેરી દવા પી પોતાના ગળા પર બ્લેડના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તેને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પતિએ જ પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતારી જાતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પતિએ આર્થિક ભીંસથી કંટાળી આવું પગલું ભર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

વિગતો મુજબ માતા પિરામીતાર રોડ ઉપર આવેલ કાછિયા પોળના રહેવાસી મુકેશભાઇ ભોગીલાલ પંચાલ (ઉં.વ. 47), તેની પત્ની નયનાબેન અને 24 વર્ષીય પુત્ર મિતુલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને પુત્રના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ગળામાં બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કરનાર મુકેશભાઈ પંચાલને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

મુકેશભાઈ પંચાલે પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ જાતે ગળામાં બ્લેડના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે. આ બનાવને પગલે વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બીજીબાજુ આ બનાવની જાણ રાવપુરા પોલીસને કરવામાં આવતા પીઆઈ પૂજા તિવારી સ્ટાફ સાથે દોડી ગયા હતા. આ સાથે ડીસીપી અભય સોની પણ સ્થળ ઉપર દોડી જઈ તપાસ શરૂ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.