ભાજપ અગ્રણીનો પુત્ર પાંચ વર્ષ પૂર્વે પરિવાર સાથે સાઉથ આફ્રિકાના માડાગાસ્કર સ્થાયી થયા’તા
ધંધા માટે રાજકોટથી આફ્રિકા ગયેલા યુવકનું ખંડણી માટે અપહરણ થયા બાદ રાજકોટ પોલીસે મુકત કરાવ્યો હતો
જંકશન પ્લોટમાં રહેતા અને સાઉથ આફ્રિકા સ્થાયી થઇ અનાજ કઠોળનો વેપાર કરતા પૂર્વ ભાજપ અગ્રણીના પુત્રની ગત શનિવારથી ગોળી ધરબી હત્યા કરી 75 લાખની લૂંટ થતા અરેરાટી વ્યાપી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જુલેલાલનગરના અને કાલાવડ રોડ ઉપર આર.કે.નગરમાં રહેવા ગયા બાદ પાંચેક વર્ષથી સાઉથ આફ્રિકાના માડાગાસ્કર અનાજ ખાંડના વેપાર અર્થે સ્થાયી થયેલા હરેશભાઈ રોહિતભાઈ નેભાણી ઉ.35 નામના વેપારી યુવાન ગત શનિવારે ઘરે જતા હતા ત્યારે બાઈકમાં આવેલા બે શખસોએ કાર આંતરી ક્ષયરીંગ કરી હરેશભાઈની હત્યા નીપજાવી હતી અને તેમની પાસેથી 75 લાખ જેટલી રોકડ, લેપટોપની લૂંટ ચલાવી હતી સિંધી સમાજના આગેવાન રાજુભાઈએ જણાવ્યું હતું કે મૃતક વેપારીના પિતા હરેશભાઈ નેભાણી 15 વર્ષ સુધી જંકશન પ્લોટ વિસ્તાર વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ પ્રમુખ, વોર્ડ મહામંત્રી સહિતના હોદાઓ નિભાવી ચૂક્યા છે પુત્રને ધંધામાં સ્કીલ હોય પોતે આફ્રિકા ગયા બાદ પત્ની, પુત્ર, માતા-પિતાને પણ બોલાવી લીધા હતા પખવાડિયા પૂર્વે જ કાકાના દીકરા સાગરભાઈને પણ તેડાવી લીધો હતો.
બનાવ બન્યો ત્યારે પિતરાઈ ભાઈ સાથે જ હતો પણ તેનો બચાવ થયો હતો. બનાવની કરૂણતા એ છે કે મૃતક યુવાનને સંતાનમાં એક પૂત્ર છે અને પત્નીને છ માસનો ગર્ભ છે ત્યારે જ આ બનાવ બનતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગત શનિવારે આ બનાવ બન્યો હતો ત્યારે પિતા રાજકોટ આવ્યા હોય પૂત્રના મોતના સમાચાર મળતા જ તુરંત આફ્રિકા જતા રહ્યા હતા.
ઉલ્લેખનિય છે કે,રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતા વેપારી કેયુરભાઈ પ્રફુલભાઈ મલ્લી નામનો વેપારી ગત 20 જાન્યુઆરીએ આફ્રિકા ધંધા માટે ગયો હતો એરપોર્ટ ઉપરથી જ તેનું અપહરણ કરી દોઢ કરોડની ખંડણી માંગવામાં આવી હતી જેમાં રાજકોટ પોલીસની મદદથી યુવકને હેમખેમ છોડાવ્યો હતો છતાં આરોપી 30 લાખ લઇ જવામાં સફળ રહ્યા હતાં.
ધંધાકીય હરિફાઈના કારણે હત્યા થયાની મૃતકના કાકાનો આક્ષેપ
હત્યાનો ભોગ બનનાર હરેશના કાકા રાજુભાઈ નેભાણીએ જણાવ્યું કે હરેશની પૂર્વયોજીત કાવતરૂ રચી હત્યા કરવામાં આવી હોવાની શંકા છે. તેના ભાઈ સહિતના પરીવારે માડાગાસ્કરમાં ટુંકા ગાળામાં ખુબ જ પ્રગતિ કરી હતી. જેને કારણે તેની પ્રગતીથી ઈર્ષ્યા અનુભવનારોએ મર્ડર કરાવ્યાની શંકા જઈ રહી છે. કારણ કે મોટાભાગે લૂંટારૂઓ કોઈ સરન્ડર કરે તો તેની હત્યા કરતા નથી અને મુદ્દામાલ લૂંટ ભાગી જાય છે.
જયારે આ કેસમાં હરેશે સરન્ડર કરી દીધું હોવા છતાં તેની હત્યા કરવામાં આવી હતી. એટલુ જ નહી તેના તમામ ધંધાનો જેમાં હિસાબ કિતાબ હતો તે લેપટોપની પણ હત્યારાઓ લૂંટ ચલાવી ગયા હોવાથી કોઈ ધંધાના હરીફે હત્યા કરાવ્યાની શંકા જઈ રહી છે. તેનો પુત્ર સાગર કે જે બનાવ વખતે હરેશ સાથે હતો તે વિસેક દિવસ પહેલા જ રાજકોટથી માડાગાસ્કર ગયો હતો.