“યોગીનું શરીર યોગાગ્નિમય થઈ જાય છે અને તે ઘડપણ, રોગ અને મૃત્યુને પાર થઈ અજર-અમર થઈ જાય છે”
“રૂમમાં દિવ્ય શકિત અને અલૌકિક સુગંધ પ્રસરી રહી હતી; બેઠક ઉપર માતાજી સિધ્ધાસનમાં દીગંબર અવસ્થામાં બેઠા હતા!”
ડુંગરવાળા માતાજી પોરબંદર
આમ મુળુ ભગત ફટાણા વાળા સાથે જયારે હું બગવદર ફોજદાર તરીકે ફરજ ઉપર હતો ત્યારે ખૂબ સત્સંગ કરેલો પરંતુ ત્યારે ભગતે કે કોઈએ આ ડુંગરવાળા માતાજીની કયારેય ચર્ચા કરેલી નહી પરંતુ હવે હું રજા ઉપર હતો અને રજા પુરી થયે ફરી બાબરા જવાનું હતુ તેથી કોન્સ્ટેબલ જીવાભાઈ ઓડેદરાને કહ્યું કે હું પણ અહિંનો હવે મહેમાન જ છું. ફઈબા તો મહેમાન છે જ! આથી આપણે આજે જ ફટાણા જઈ આવીએ તેમ નકકી કરી બંને જણા બગવદરથી ફટાણા આવ્યા ફોજદારની બદલીની તો તમામને ઝડપથી ખબર પડી જતી હોય છે. આથી મને આવેલો જોઈ મુળુ ભગતે હાસ્ય સાથે કહ્યું પધારો મોંઘેરા મહેમાન કાંઈ ઝડપથી બદલી થઈ ગઈ ? મેં કહ્યું તમે તો રાજકારણ જાણો જ છો ને ?
માતાજીના મઢના દર્શન કરીને પછી ભગતના આસન વાળા રૂમમાં સત્સંગ ચાલુ કર્યો. જીવાભાઈએ મુદાની વાત ચાલુ કરી અને ભગતને પૂછયું ભગત આ સોઢાણા વાળા હરભમ ભગત તમારા શિષ્ય છે? ભગતે જવાબ આપ્યો ‘જે ભકિત કરે એ ભગત પણ હરભમ ભગતને મેં કંઠી બાંધી નથી, તેઓ તેમની રીતે મને ગુરૂ તરીકે ઓળખાવે છે. આથી મેં વાતનું અનુસંધાન કરી મુળુ ભગતને ડુંગરવાળા માતાજી અંગે પુછયું તો તેમણે હા પાડી અને કહ્યું નસિબ વાળાને દર્શન થાય ! આથી મેં ભગતને કહ્યું હું અહિં હતો અને આપણે સત્સંગ કરતા ત્યારે કેમ તમોએ આ ડુંગર વાળા માતાજી અંગે કયારેય વાત પણ ન કરી ? તેમણે કહ્યું સાહેબ ઓછુ ના લાવશો આ બધી પ્રારબ્ધ અને સમયની વાતો છે આથી મેં કહ્યું કે મારે તો દર્શન કરવા જ છે. આતો મારે ઘેર મારા ફઈબા આવ્યા છે તેમણે આ બધી માતાજીની વાતો કરી તેમને પણ દર્શન કરવા છે. ભકતે કહ્યુંં ભલે હું માતાજી ને પુછીને કહીશ કયારેક રાતવરતના અહિં આવી ચડે તો મુલાકાત થાય અને નહીં તો મારે બરડા ડુંગરમાં જઈ વાવડ મેળવવા પડે ! કોઈ સમય મર્યાદા નથી આપ આપની ફરજ ઉપર જતા રહેજો. આમ વાત કરી બગવદર આવ્યા.

1 32

બે દિવસની રજા પૂરી થતા હુંબાબરા ખાતે ફરજ ઉપર હાજર થઈ ગયો બીજા અઠવાડીયે ફરી બગવદર રજા ઉપર આવતા ફઈબા એ એક આશ્ર્ચર્ય જનક ઘટનાની વાત કરી. તેમણે કહ્યું કે તમે રજા ઉપરથી ગયા બાદ બે ત્રણ દિવસ પછી એક વખત મકાનના બારી બારણા બંધ કરીને રાત્રીના સૂઈ ગયેલા અને સવારના ઉઠીને જોયું તો ઘરના તમામ ચારેય રૂમ રસોડા સહિતમાં પુષ્કળ મગવેરાયેલા પડયા હતા! જે ભેગા કરી લીધા છે. પરંતુ કયાંથી કઈ રીતે આવ્યા તે એક રહસ્ય છે. ઘણના મગનું બાચકુ જોયું તો તે પણ બરાબર જ છે ! કોઈ આવ્યું ગયું નથી વિગેરે વાત કરી જેથી હું ફરીથી જીવાભાઈને લઈને ફટાણા ગામે આવ્યો અને મુળુભગતને આ બનેલ ઘટનાની વાત કરી. આથી ભગતે કહ્યું વાત તો શુકન વાળી છે, ચારેક દિવસ પહેલા માતાજી અહિં પધાર્યા હતા. ત્યારે મેં તેમને તમારી વાત કરી હતી તેથી તેમણે કહેલું કે પહેલા જોવું પડે. આમ કદાચ માતાજી પધાર્યા હોય તેનું પ્રતિક હોઈ શકે ! કાંઈ વાંધો નહી હું માતાજી મળશે ત્યારે શું હકીકત છે તે જાણીને તમને કહીશ.mistry
હું બગવદર રજા ઉપર જ હતો. અને રવિવારના દિવસે મુળુ ભગત બગવદર ચાલીને મારાઘેર આવ્યા, મે આવકાર આપી સ્વાગત કર્યું મેં કહ્યું કહેરાવ્યું હોત તો કાંઈક વાહન મોકલી આપેતને ? તેમણે કહ્યું મારે બગવદર આવવાનું જ હતુ અને આવ્યો છું. ભગત સાથે ફઈબાની ઓળખાણ કરાવી દુધ પીવા માટે મૂકાવી ધાર્મિક ચર્ચા ચાલતી હતી દરમ્યાન ઘર બહાર એક કાર આવી ને ઉભી રહી, તે ફોજદાર જે.કે.ઝાલા હતા જામખંભાળીયા કાંઈક કામે ગયા હશે તેથી વળતા બગવદર હું રજા ઉપર હોઈ મળવા આવેલા ઝાલા ને અગાઉથી જ ડુંગરવાળા માતાજી અંગે ઘણી માહિતી હતી તેથી મુળુભગત સાથે વાતોએ વળગ્યા. મુળુ ભગતે કહ્યું કે ડુંગરવાળા માતાજી આજે જ ફટાણા પધાર્યા છે તો ચાલો દર્શન થઈ જાય. ભગતે કહ્યું હું એકાદ કલાક વહેલો ચાલતો નીકળુ તમે પાછળથી પધારો. પરંતુ ઝાલાએ ભગતને કહ્યું મારૂ વેણ રાખો આજે મારી કારમાં બેસો તો ધન્ય ભાગ્ય. ઝાલાનું પોરબંદર તો ઠીક જામનગર, ભાણવડ અને સૌરાષ્ટ્રમાં ત્યારે મોટું નામ હતુ ! તેથી મુળુભગત ના પાડી શકયા નહી અને અમે કારમાં બેસીએ તે પહેલા ભગતે પોતે પહેરેલ કડીયામાંથી એક મોટો સાકરનો ગાંગડો પ્રસાદ રૂપે કાઢીને ઝાલાને આપ્યો અને કહ્યું આને ભાંગીને તમામને પ્રસાદ વહેંચો, જે.કે. ઝાલાની તાકાત મેં જોયેલી કે સાકર નો ગાંગડો તો શું લોખંડના પાઈપ પણ વાળી નાખે તે મે જોયેલું ! ઝાલાએ સાકરનો ગાંગડો બે હાથ વડે તોડવા સખત મહેનત કરી પરંતુ તુટયો નહી તેથી ભગત બોલ્યા કે આજે માતાજીના દર્શન થાય કે કેમ તે શંકા છે ! પછી ભગતે પહેરેલ કડીયામાંથી બીજી સાકર પ્રસાદ રૂપે કાઢી તમામને વહેંચી.
પછી મુળુ ભગત, જે.કે. ઝાલા તથા હું મારા ફઈબા સાથે ફટાણા આવ્યા મઢમાં જઈને જોયુંં તો માતાજી હતા નહી ભગતે તપાસ કરી પણ કાંઈ ખબર પડી નહીં. મને અને ઝાલાને ખુબ અફસોસ થયો કે એક મહાન અસ્તિત્વ ને મળી શકયું નહિ પરંતુ ભગતે કહ્યું સાહેબ દિવસના કયાં દુકાળ છે? દર્શન થશે જ થોડીવાર મઢ અને રૂમમાં સત્સંગ કરી બગવદર પાછા આવ્યા જે.કે. ઝાલા પોરબંદર ગયા
થોડા દિવસો પછી હું પાછો રજા ઉપર આવ્યો અને જોગાનું જોગ તેજ દિવસે મુળુ ભગત બગવદર આવેલા અને તેમણે મારી તપાસ કરી હું તો હાજર જ હતો તેથી મળ્યા અને કહ્યું પધારો સાહેબ આજે માતાજી ફટાણા રોકાયા છે ! આથી હું તુરત તૈયાર થયો સાથે મારા ફઈબા બાળકો અને મારા પત્નીને પણ લીધા અને ફટાણા માતાજીનાં મઢે આવ્યા મઢમાં સ્થાનને અડીને આવેલ બેઠક રૂમમાં જ આસન ઉપર માતાજી બેઠેલા હતા.
બેઠક રૂમમાં અલૌકિક સુગંધ પ્રસરી રહી હતી. માતાજી બેઠક ઉપર સિધ્ધાસનમાં પણ સંપૂર્ણ દીગંબર અવસ્થામાં બેઠા હતા ! તેમની આંખો લાલ અને ચમકતી હતી. વિશાળ લાંબા કાળા વાળ ફેલાયેલા હતા. તેઓ સ્થિર નજરે બેઠા હતા અને કાંઈ બોલ્યા નહી તમામ રૂમમાં સામે ચુપચાપ બેસી ગયા રૂમમાં દિવ્ય શકિત પ્રસરી રહી હોય તેમ લાગતુ હતુ તેનું કારણ માતાજીની ઉપસ્થિતિ હોવાનું મને લાગ્યું કેમકે અગાઉ તો હું અહિં અનેક વખત મુળુભગત સાથે કલાકો સુધી સત્સંગ કરી ગયો હતો પરંતુ આજની વાત અને માહોલ દિવ્ય અને કાંઈક અલગ જ હતો !
જે રીતે અગાઉ ચર્ચાઓ અને વાતો થયેલી તે મુજબ તો માતાજીની ઉંમર 700-750 વર્ષ કહેવાય પણ અત્યારે માતાજી 25-30 વર્ષના જણાતા હતા વળી દિગંબર અવસ્થામાં પણ દિવ્ય અને તેજોમય જણાતા હતા !
મુળુ ભગતે માતાજીને અમારી ઓળખાણ કરાવી સૌ પ્રથમ મારા પત્નીની ઓળખ આપી મારા પત્ની માતાજી પાસે જઈ પગે લાગતા માતાજીએ માથા ઉપર હાથ મૂકી આશિર્વાદ આપી પોતાની બેઠક નીચેથી પૌરાણિ ચલણી સિકકાઓ કાઢીને આપી તે પછી મારા બાળકો અને ફઈબાને તે પ્રમાણે જ આર્શિવાદ આપ્યા છેલ્લે મેં માતાજીના ચરણ સ્પર્શ કરી આર્શિવાદ લીધા અને મને પણ માતાજીએ પૌરાણિક ચલણી સિકકા કાઢીને આપ્યા !

02 9

મારા પત્નીએ માતાજી સાથે ધાર્મિક વાતચિત કરતા તેના જવાબ મુળુ ભગત આપતા હતા મને મનમાં થયું કે મારે માતાજી પાસેથી તેમના મુખેથી જ આર્શિવાદ મેળવવા છે. મે ભગતને મારી ઈચ્છા જણાવી તો ભગતે કહ્યું માતાજી કોઈ સાથે વાત કરતા જ નથી. પરંતુ મેં આગ્રહ કરતા મુળુ ભગતે માતાજીને ખાસ વિનંતી કરી કે માતાજી ગોહિલ સાહેબ પૂરતો અપવાદ રાખી બાળકની જીદ સમજી આર્શિવાદ આપો. માતાજી મારી સામે એકધારી દ્રષ્ટિએ જોઈ રહ્યા, હું થોડીવાર સુધી તેમની આંખમાં આંખ પરોવી જોતો રહ્યો પરંતુ પછી હું આંખ બંધ કરી ગયો. ભગતે કહ્યું સાહેબ ફકત એક જ આર્શિવાદ માગવાના છે હો? જેથી મેં માતાજીની સામે જોઈને કહ્યું “માતાજી આ જન્માં જ મને મોક્ષ મળી જાય એવા આર્શિવાદ આપો” આથી માતાજી થોડુ હસ્યા પછી એવા રણકતા અને અલૌકિક મીઠા અવાજમાં કહ્યું ‘મોક્ષ માટે તો યોગનો ખુબ પુરૂષાર્થથી અભ્યાસ કરવો પડે, તમને આ જન્મે મોક્ષનો રસ્તો સ્પષ્ટ પણે મળી જશે. આવો રણકતો, મીઠો, પાતળો અલૌકિક અવાજ ત્યાર પહેલા કે તે પછી પણ મેં કયાંય સાંભળ્યો નથી. હું આટલા આર્શિવાદથી પણ ખુશ થઈ ગયો પરંતુ આ તકનો લાભ લઈ મારા પત્ની તથા ફઈબાએ પણ માતાજી સાથે ધાર્મિક પ્રશ્ર્નોતરી કરી ચર્ચા કરી આર્શિવાદ મેળવ્યા.
મુળુ ભગતે તમામ માટે દુધ પ્રસાદની વ્યવસ્થા શરૂ કરી, ફઈબા તથા મારા પત્ની માતાજી સાથે વાતો કરતા હતા દરમ્યાન મને વિચાર આવ્યો કે માતાજીના મને દર્શન થયા તે મારે જેે.કે.ઝાલાને પુરાવા સાથે સમાચાર આપવા છે. હું કેમેરો સાથે જ રાખતો તેથી માતાજીને પુછી ને ફોટો પાડવાનું કહેતા માતાજીએ સંમતી આપી પરંતુ મારા પત્નીએ કહ્યું ઉભા રહેા એમ નહી કહી પોતે ઓઢેલી શાલ માતાજીને ઓઢાડી અને કહ્યું હવે ફોટા પાડો આથી મેં ફોટા પાડયા.
પછી અમે બગવદર આવ્યા મેં જૂનાગઢ ફોન કરી જે.કે. ઝાલાને દર્શનની વાત કરી તો તેણે કહ્યુું બસ એકલા જ ? મેં કહ્યું ના સહકુટુંબતો તેણે કહ્યું આવતા અઠવાડીયે હું પોરબંદર આવું છું અને હું પણ સહકુટુંબ બગવદર આવું છું તમે મુળુ ભગતને કહેરાવો તારોવારો નહી ચાલે અમારે પણ માતાજીના દર્શન કરવા છે.
મેં જમાદાર જીવા ઓડેદરા સાથે ફટાણા ભગતને સંદેશો કહેરાવ્યો કે ઝાલા સાહેબ નારાજ થયા છે. આવતા રવિવારે ગોહિલ સાહેબ અને ઝાલા સાહેબ બંને સહકુટુંબ ફટાણા ડુંગરવાળા માતાજીના દર્શન કરવા આવે છે.
પછીના રવિવારે ફરીથી હું તથા જે.કે. ઝાલા સહ કુટુંબ ફટાણા ગયા અને ડુંગરવાળા કે વેણુવાળા માતાજીના દિવ્ય દર્શન કર્યા.
જે તે સમયે બરડા ડુંગર તથા જંગલના 192 ચો.કી.મી. ક્ષેત્રના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા સ્વ.લાલુભા જાડેજા પાળ પીપળીયા વાળાએ અને 2000ની સાલમાં બરડાની તળેટીમાં ભાણવડ બાજુ ધુમલી નજીક આવેલ કપુરડીનેસમાં આ ડુંગરવાળા માતાજી તથા ત્રિકમાચાર્યજીનું મંદિર તથા આશ્રમ પોતાના ખર્ચે બનાવેલો છે.
આ ડુંગર વાળા માતાજી આવા 700 કે 800 વર્ષની આયુ વાળા હોવાની વાત થતા સહજ રીતે મને મનમાં થયું કે આવી વ્યકિત હોઈ શકે? પરંતુ વયોવૃધ્ધ ફઈબાને ખોટા માનવાનું કોઈ કારણ ન હતુ.
છતા મેં મારા પસંદગીના પુસ્તકોમાં આવો કોઈ સંદર્ભ હોય તો તપાસવા લાગ્યો આખરે શાસ્ત્રોમાં અનુસંધાન મળ્યું ખરૂ.
હઠયોગના પુસ્તક ધેરન્ડ સંહિતામાં જણાવ્યું છે કે,
॥ શમ્ભવ્યા ચૈવ ભ્રામર્યા ખેચર્યા યોનિમુદ્રયા ।
ધ્યાનં નાદં રસાનંદ લયસિધ્ધશ્ર્ચતુર્વિધ્યા ॥’
એટલે કે લયયોગ સિધ્ધિ થાય:-
શાંભવી-મુદ્રા વડે ધ્યાન લગાડવું, ખેચરી મુદ્રાવડે રસાસ્વાદન કરવું, ભ્રામરી-મુદ્રા વડે નાદનું શ્રવણ કરવું અને યોની મુદ્રા વડે આનંદ ભોગ કરવો. આ ચાર પ્રકારના ઉપયોગથી લયયોગ (અદ્રશ્ય થવાનો પણ) સિધ્ધિ થાય છે!
ઉપરાંત શ્ર્વેતાશ્ર્વતર ઉપનિષદમાં જણાવ્યું છે કે
“ન તસ્ય રોગો ન જરા ન મૃત્યુ:।
પ્રાપ્તસ્ય યોગાગ્નિમયં શરિરમ્ ॥”
એટલે કે યોગીનું શરીર યોગાગ્નિમય થઈ જાય છે અને તે ઘડપણ, રોગ અને મૃત્યુ ને પાર થઈ જાય છે અને અજર અમર થઈ જાય છે!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.