- આજે બિન હથિયારી PSI માટેની લેખિત પરીક્ષા
- અમદાવાદ, વડોદરા અને સુરતના 340 કેન્દ્રો પર 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારની કસોટી
- ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયેલ ઉમેદવારો આપશે લેખિત પરીક્ષા
- અમદાવાદમાં 30 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા
- અમદાવાદ, વડોદરા અને સુરતમાં 340 શાળાઓમાં પરીક્ષાનું આયોજન
- બિન હથિયારધારી PSI ભરતીની પરીક્ષા, ઉમેદવારોએ મોડી રાતથી સેન્ટર પર ડેરા જમાવ્યા
રાજ્યમાં પોલીસ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માટે લેખિત પરીક્ષા યોજાઈ રહી છે. બિન હથિયારી PSIની 472 જગ્યા માટેની પરીક્ષા માટે દૂર દૂરના જિલ્લાઓમાંથી ઉમેદવારો અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ, વડોદરા અને સુરતમાં સેન્ટર હોવાના કારણે મોડી રાત્રે ઉમેદવારોએ આવીને પરીક્ષા સેન્ટર પર પહોંચવું પડ્યું હતું. પોલીસમાં બિન હથિયારધારી PSI બનવા માટે એક લાખથી વધુ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી રહ્યા છે. જોકે ઉમેદવારોની લેખિત પરીક્ષા પહેલા પરીક્ષા સેન્ટર સુધી પહોંચવાની ભારે કસોટી થઈ ગઈ હતી.
પીએસઆઇની લેખિત પરીક્ષા માટે અમદાવાદ, વડોદરા અને સુરતમાં 340 જેટલી શાળાઓમાં પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. માત્ર આ ત્રણ જિલ્લામાં પરીક્ષા સેન્ટર રાખવામાં આવતા ઉમેદવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં પીએસઆઇની પરીક્ષા આપવા માટે જામનગર, જૂનાગઢ, પાટણ, પાલનપુર જેવા જિલ્લાઓમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. પરંતુ આ પરીક્ષા આપવા માટે ઉમેદવારોએ પરીક્ષા સેન્ટર પર મોડી રાત સુધીમાં જ પરીક્ષા સેન્ટર પર પહોંચી જવું પડ્યું હતું.
પરીક્ષા પહેલા જ ઉમેદવારોની પરીક્ષા સેન્ટર પર પહોંચવા સુધીની પરીક્ષા થઈ ગઈ
પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ જણાવ્યું કે, દૂર-દૂર સુધી પરીક્ષા સેન્ટર રાખવાના કારણે હાલાકી તો સામનો કરવો પડ્યો છે. અમે ગઈકાલે રાત્રે જ પરીક્ષા આપવા માટે અમદાવાદ આવી ગયા હતા. કેટલાક ઉમેદવારોએ પોતાના સગા સંબંધીઓને ત્યાં પહોંચી જવું પડ્યું તો કેટલાક ઉમેદવારોને કોઈ સગા રહેતા નહીં હોવાના કારણે મોડી રાત્રે જ અમદાવાદ આવી જવાના કારણે પરીક્ષા સેન્ટર પર વહેલા પહોંચી જવું પડ્યું હતું. એટલે કે પીએસઆઇ બનવા માટે લેખિત પરીક્ષા પહેલા જ ઉમેદવારોની પરીક્ષા સેન્ટર પર પહોંચવા સુધીની પરીક્ષા થઈ ગઈ હતી.
કેટલાક ઉમેદવારોએ જણાવ્યું કે, લેખિત પરીક્ષા પહેલા શારીરિક કસોટી લેવાય હતી. તેમાં 11 લાખ જેટલા ઉમેદવાર હોય, શારીરિક કસોટી આપી હતી. તેમાંથી પાસ થયેલા ઉમેદવારો હવે લેખિત પરીક્ષા આપી રહ્યા છે. જોકે લેખિત પરીક્ષાનું સેન્ટર પણ જિલ્લા પ્રમાણે આપવું જોઈતું હતું. એટલે કે જે તે જિલ્લામાં ઉમેદવારો રહેતા હોય તેના નજીકના સેન્ટરો પર પરીક્ષાનું કેન્દ્ર હોય તો પહોંચવામાં સરળતા રહે છે.
અમદાવાદ, વડોદરા અને સુરતમાં 340 શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ, વડોદરા અને સુરતમાં 340 શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1.2 લાખ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે, અમદાવાદ શહેરમાં 30,000 થી વધારે ઉમેદવારો 102 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે ફિઝિકલ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં સફળતા મેળવનાર ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવાની તક આપવામાં આવી હતી.
બીજુ પેપર ત્રણ કલાકથી બપોરે 6 કલાક સુધી ચાલશે
પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારો આત્મવિશ્વાસથી ભરપૂર જણાઇ રહ્યાં છે. પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોએ જણાવ્યું છે કે પોલીસ વિભાગમાં ભરતી થવું અને દેશ અને રાજ્યની શાંતિ અને સલામતી માટે કામ કરવું એ તેમના માટે અને પરિવાર માટે ગૌરવની વાત છે. આ પરીક્ષામાં ૩-૩ કલાકના બે પેપર હશે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI / PSIને ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે તહેનાત રાખવામાં આવ્યા છે. પહેલું પેપર સવારે 9:30 કલાકે 12:30 વાગ્યા સુધી જાય છે જ્યારે બીજુ પેપર ત્રણ કલાકથી બપોરે 6 કલાક સુધી ચાલશે.