7070 સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિઓના એક સાથે દર્શન
અબતક,રાજકોટ
પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી અનેક રૂપે સ્વામિનારાયણ કાર્યક્રમ અંતર્ગત કુંડળધામમાં વિશ્વવિક્રમ સર્જાયો બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સુપ્રસિધ્ધ સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે અનેક રુપે સ્વામિનારાયણ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત વિશ્વવિક્રમ સર્જાયો. આ કાર્યક્રમનો અહેવાલ વિશ્વવિક્રમ જાહેર કરવા માટે ગિનીશ વર્લ્ડ રેકોર્ડસ્ ને મોકલવામાં આવ્યો હતો.
સંસ્થાના વડા પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી 170 ગામોના હરિભકતોના ઘરેથી આવેલ ઘનશ્યામ મહારાજ એટલે કે શ્રીસ્વામિનારાયણ ભગવાનની 7070 મૂર્તિના એક સાથે દર્શનનો નઝારો જોવા મળ્યો હતો. મૂર્તિ આગમનનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
દેશભરમાંથી આવેલી મૂર્તિઓનું પૂજ્ય ્જ્ઞાનજીવનદાસજી સ્વામી તેમજ ઉપસ્થિત સૌ સંતો ભક્તો દ્વારા સામૂહિક પૂજન કરવામાં આવ્યું હતું. મૂર્તિઓ 27 વર્તુળોમાં ગોઠવવામાં આવી હતી. દરેક મૂર્તિના શણગાર વૈવિધ્યસભર હતા. આ પ્રસંગે પૂજ્ય ગુરુજી જ્ઞાનજીવનદાસજી સ્વામી તેમજ સંતો દ્વારા સ્વમિનારાયણ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત સૌ ભક્તોને પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા. એક સાથે સ્વામિનારાયણ ભગવાનની 7070 મૂર્તિઓનાં દર્શનનો આવો કાર્યક્રમ પ્રથમ વખત યોજાયો હોવાથી બહુ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. અને આ ભવ્ય – દિવ્ય દૃશ્ય નિહાળી હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી. જયનાદોના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.