ચારને ગંભીર ઇજા: રાણકદેવી મહેલમાં ઘુમટ દુર્ભાગ્ય રીતે પડતાં કાટમાળ નીચે શ્રમિકો દબાયાં
અબતક, દર્શન જોશી,જુનાગઢ
જુનાગઢના ઐતિહાસિક, પૌરાણિક ઉપરકોટમાં રીનોવેશનની કામગીરી દરમિયાન ઘુમટ ધરાશાઈ થતા એક શ્રમિકનું મોત નિપજયું છે, જ્યારે અન્ય ચારેકને ગંભીર ઇજાઓ થતાં અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને વધુ સારવારની જરૂર જણાતા રિફર કરવામાં આવ્યા છે, ઉપરકોટમાં રીનોવેશન દરમિયાન ઘુમ્મટ બનાવતી વેળાએ શ્રમિકો જ્યારે ઘુમ્મટ ઉપર હતા ત્યારે આ ઘટના ઘટતા અને એક શ્રમિકનું મોત થવાથી શ્રમિકો સહિત સમગ્ર શહેેેરમાં અરેરાટી મચી જવા પામી છે.
આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર જુનાગઢના ઉપરકોટમાં આવેલ રાણકદેવીના મહેલમાં કરોડો રૂપિયાના ખર્ચે રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન આજે સવારે રાણકદેવીના મહેલમાં ઘુમ્મટ દુર્ભાગ્યે રીતે કડાકા ભેર ધારાશાયી થયો હતો. અને આ ઘુમ્મટનો કાટમાળ કામ કરતા શ્રમિકોના માથે પડતા ચારેક જેટલા શ્રમિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. જેમાં શ્રમિક સોનુંસિંઘ રજતસિંઘ ઠાકોરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચારેક શ્રમિકો કાટમાળ હેઠળ દબાઇ જતાં તેમને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના અંગે શ્રમિકો માંથી પ્રાપ્ત વધુ વિગતો મુજબ ઘુમત આજે મોડી સવારે કડાકા ભેર ધરાશાઈ થતા આસપાસમાં કામ કરતા અન્ય શ્રમિકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક કાટમાળ હટાવીને દબાઈ ગયેલ શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ કાટમાળ હેઠળ દટાઇ જતા શ્રમિક સોનુંસિંઘ રજતસિંઘ ઠાકોરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય શ્રમિકો સોનુંસિંઘ સુભાષસિંઘ ઠાકોર, સુરજીત યાદવ, દોલત ગોપાલ સિંઘને ઇજા પહોંચતા આ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
જો કે, જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટમાં કરોડોના ખર્ચે થઈ રહેલ રીનોવેશન અને ઘુમ્મટ બનાવતી વેળાએ ક્યા કારણોસર ઘુમટ ધરાશાઈ થયો છે તે અંગે હજુ કોઈ સતાવાર નિવેદન આવેલ નથી. પરંતુ એક વાત મુજબ શ્રમિકો જ્યારે ઘુમ્મટ ઉપર હતા ત્યારે આ ઘટના ઘટી હોવાનું અને એક શ્રમિકનું મોત તથા ચારેક શ્રમિકોને ગંભીર ઇજાઓ થવા પામી છે, ઉપરકોટમાં ઘટેલી આ ઘટનાથી શ્રમિકોમાં અને સમગ્ર શહેરમાં અરેરાટી મચી જવા પામી છે.