- માત્ર 90 દિવસનાં ટૂંકાગાળામાં શક્કર ટેટી અને તરબૂચનું વાવેતર કરી દોઢ લાખ રૂપિયા મળવાનો આશાવાદ વ્યક્ત કરતાં મોરચુપણા ગામનાં ભરત સોલંકી
- ઓર્ગેનિક શક્કર ટેટી અને તરબૂચ હોવાથી સુરત, અમદાવાદ જેવાં શહેરોમાંથી ઓર્ડરો મળવા લાગ્યા
- ચાલુ સીઝનમાં એક મણ ઘઉંનું વાવેતર કર્યું અને અડતાલીસ મણનું ઉત્પાદન થયું
- સમયની માંગને ધ્યાને લઇ ઋતું પ્રમાણે ખેતી કરવામાં આવે તો મબલખ આવક મેળવી શકાય: ભરત સોલંકી
ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ઉનાળામાં અનેક ફળો આવતા હોય છે. આ દરમિયાન ખેડૂતો ફળોનું વાવેતર કરવા ઘણી મહેનત કરતાં હોય છે. ત્યારે ભાવનગરના જેસર તાલુકાના મોરચુપણા ગામના ભરત સોલંકીએ દોઢ વિઘા જમીનમાંથી પ્રાકૃતિક ખેતીના સહારે તરબૂચ અને શક્કર ટેટીનું વાવેતર કર્યું હતું. શક્કર ટેટી અને તરબૂચની પ્રાકૃતિક ખેતીથી ખુબ જ ટૂંકાગાળામાં મીઠી મધ જેવી આવક મેળવી છે.
ભાવનગરના જેસર તાલુકાના મોરચુપણા ગામના ભરત સોલંકીએ દોઢ વિઘા જમીનમાંથી પ્રાકૃતિક ખેતીના સહારે તરબૂચ અને શક્કર ટેટીનું વાવેતર કરીને માત્ર 90 દિવસના ટૂંકા ગાળામાં અંદાજે એક થી દોઢ લાખ રૂપિયા મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. શક્કર ટેટી અને તરબૂચની પ્રાકૃતિક ખેતીથી ખુબ જ ટૂંકાગાળામાં મીઠી મધ જેવી આવક મેળવી છે.
ખેતીની સફળતા વિશે ભરતભાઈ કહે છે કે, શક્કર ટેટી અને તરબૂચ સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિ આધારિત હોવાથી બજારમાં મળતી અન્ય શક્કર ટેટી અને તરબુચ કરતાં આમાં મીઠાશ વધુ છે. સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોમાં આ શક્કર ટેટી અને તરબૂચની માંગ વધુ રહે છે, તેમજ ભાવનગરમાં અમૃત બજારમાં પણ શક્કર ટેટી અને તરબૂચનું વેચાણ કરી ઘર આંગણે જ સારી એવી આવક મેળવી શકાય છે.
ખેડૂત ભરતભાઈએ જણાવ્યું કે, મેં ધો.12 સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ ખેતીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને વધુ ઉત્પાદન મળે તેવા પ્રયાસો સતત કરતો રહું છું, હાલના સમયમાં ચીલા ચાલુ ખેતીને બદલે સમયની માંગ પ્રમાણે જો સીઝનલ પાકની ખેતી કરવામાં આવે તો મબલખ આવક મેળવી શકાય છે.
તેઓ વધુમાં કહે છે કે, પહેલાં મારા ખેતરમાં ડ્રીપ ઇરીગેશન- ટપક સિંચાઇની વ્યવસ્થા નહોતી એટલે પાણી વાળવું પડતું હતું, એમાંય એક માણસ ફરજીયાત જોઇએ, ક્યાંય જવું હોય તો જઈ શકાય નહીં, પરંતુ ટપક સિંચાઇ થી ખેતી કરવાનું શરૂ કરતાં હવે પાણી વાળવું પડતું નથી અને આખો દિવસ મજૂરી કરવી પડતી નથી. આ ઉપરાંત ટપક સિંચાઇ પદ્ધતિ હોવાથી નિંદામણનો ખર્ચ પણ ઘટી ગયો છે, ટપક સિંચાઈથી ઓછા પાણીથી ખેતી થઈ શકે છે એટલે જ આ પદ્ધતિ અમારા માટે ખુબ જ લાભકારી છે.
અઢી વીઘામાં સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક ખેતી મોડલમાં આચ્છાદન આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છુ તેમાં સરગવો, લીંબુ,જામફળ, હળદર, ટામેટા, મરચીના ઉત્પાદનમાંથી બે લાખથી વધુની આવક મળવાનો અંદાજ તેમણે વ્યક્ત કર્યો હતો.
ભરતભાઈ પ્રાકૃતિક કૃષિ અંગે કહે છે કે, ચાલુ સીઝનમાં મેં એક મણ ઘઉંનું વાવેતર કરીને અડતાલીસ મણનું ઉત્પાદન કર્યું હતું એ પ્રાકૃતિક ખેતીની જ કમાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે,ખેડૂતો કૃષિ ક્ષેત્રે આધુનિક પદ્ધતિઓ અપનાવી પાક ઉત્પાદન વધારી રહ્યાં છે ત્યારે ભાવનગરના પ્રગતિશીલ ખેડૂત ભરત સોલંકીની પ્રાકૃતિક ખેતી આ વિસ્તારના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે.
અહેવાલ : આનંદસિંહ રાણા