સતર-સતર વર્ષથી આગ્રા, ઓરીસ્સા અને મારવાડનાં કલાકારો દ્વારા થઈ રહેલ પુન:નિર્માણ કાર્ય
દરેક ધર્મની પોતાની આગવી ઓળખ હોય છે. જૈન ધર્મની ઓળખ તેના કલાત્મક કોતરણીવાળાનાં દેરાસરો છે. દેરાસરોમાં કરવામાં આવતી કોતરણી અતિ મન-મોહક હોય છે.
આવી કોતરણીનો અદભુત અને અમુલ્ય નમુનો લીંબડી નજીકના શીયાણી ગામે આવેલા મુળનાયક શાંતિનાથ દેરાસરમાં જોવા મળી રહ્યા છે. ૬૦૦ વર્ષ જુના એવા આ દેરાસરનું પુન:નિર્માણનું કામ ૨૦૦૨ થી ચાલી રહ્યું છે.
આ અંગે શાંતિનાથ દેરાસરનાં પુજારી શાંતિભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ છેલ્લા ૫૦ વર્ષથી આ દેરાસરમાં સેવા આપે છે અને દેરાસર આશરે ૬૦૦ વર્ષ જુનું છે. જે-તે સમયે આ દેરાસર નદીના કાંઠે બાંધવામાં આવ્યું હતું. હાલમાં આ નદી ૩ કિલોમીટર આગળ છે. છેલ્લા ૧૭ વર્ષથી દેરાસરનું કામ ચાલુ છે.
દેરાસરમાં કોતરણી માટે ઓરીસ્સા, આગ્રા, મારવાડીના કારીગરો છે. જેમાં ઓરીસ્સાનાં કારીગરો કોતરણી, આગ્રાના કારીગરો પથ્થર ચડાવે અને મારવાડી કારીગરો પથ્થર સોરતા હોય છે. ખાસ તો દેરાસરમાં જે રાજસ્થાની પથ્થર વપરાય છે તે જુની રૂઢી પ્રમાણે ઉંટગાડી વળે લાવવામાં આવે છે. દેલવાડાનાં દેરામાં જે પ્રકારની કોતરણી છે તેવી આબેહુબ કોતરણી શાંતિનાથ દેરાસરમાં કરવામાં આવી રહી છે.