સીસીટીવી આધારે ચાર મહિલાની ઓળખ મેળવી તેની અટકાયત કરી કુલ રૂ.56 હજારનો મદ્દામાલ પોલિસે કબજે કર્યો
અબતક,રાજકોટ
રાજકોટમાં દીવાનપરા મેઈન રોડ પર આવેલ પૂર્ણીમાં એનએક્ષ નામની દુકાનમાંથી સેલ્સમેનની નજર ચુકવી રૂ. 66 હજારની કિંમતના સાત પટોળાની ચોરી કરનાર મહિલા ગેંગની ચાર મહિલાને એ-ડીવીઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ઝડપી પાડી તેની પાસેથી કુલ રૂ.56 હજારનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ બે દિવસ પહેલા દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપી મહિલાઓ ચોરી કરતા કેદ થઈ ગઈ હતી. જે ફુટેજના આધારે પોલીસે ઓળખ મેળવવા તજવીજ કરી હતી. આખરે ઓળખ મળી જતા ચારેય મહિલાઓને ઝડપી લીધી હતી.જેમાં પુષ્પાબેન રમેશ પરમાર (ઉ.વ.50, 2હે. મવડી, દીપાબેન જીતુભાઈ ગોહેલ (ઉ.વ.42, 2હે. પુનિતનગર ટાંકા પાસે), આશાબેન જયેશભાઈ રાઠોડ(ઉ.વ.37, 2હે. કોઠારીયા રોડ) અને ઉમાબેન રાજેશભાઈ ખેર(ઉ.વ.57, રહે. કોઠારીયા રોડ) નો સમાવેશ થાય છે.એ-ડીવીઝનના એએસઆઈ લુવા અને કોન્સ્ટેબલ જગદીશ વાંકને ચારેય મહિલાઓ ગોંડલ રોડ પરના ગુરૂકુળ પાસે હોવાની માહિતી મળતા ત્યાંથી ઝડપી લીધી હતી. ચારેય મહિલાઓ પાસેથી રૂા.56 હજારની કિંમતના છ ચોરાઉ પટોળા કબ્જે કરવામાં આવ્યા છે.આરોપી આશાબેન અગાઉ જુગારના જયારે પુષ્પાબેન પણ એક ગુનામાં પકડાઈ ચૂકી છે.