રાજયભરનાં આરોગ્ય અધિકારીઓની કાલે વડોદરામાં બેઠક: સરકાર પાસે પણ કોવીશીલ્ડ વેકિસનનો જથ્થો નથી: કોન્ટેકટ ટ્રેસીંગ પર ભાર મૂકવા તાકીદ
ચીન સહિત વિશ્ર્વના અનેકદેશોમાં કોરોનાએ ફરી માથું ઉંચકયું છે. ચીનમાં જેટ ગતીએ કોરોનાના કેસ વધી રહ્યા છે. ભારતને કોરોનાના સંભવીત ખતરાથી ઉગારી લેવા સરકાર સતર્ક થઈ ગઈ છે. આવતીકાલે રાજયના તમામ જિલ્લા અને મહાનગરોનાં આરોગ્ય અધિકારીઓની વડોદરા ખાતે બેઠક બોલાવવામાં આવી છે. કોરોના મૂકત થયેલા રાજકોટમાં કાલે નવો કેસ મળી આવતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે.
આરોગ્ય શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ઓસ્ટ્રેલીયાથી દિલ્હી પોતાના માતા-પિતાની તબીયત પૂછવા આવેલુ દંપતી ચારેક દિવસ પહેલા રાજકોટના જાગનાથ વિસ્તારમાં આવ્યું હતુ મહિલાને કોરોનાના લક્ષણો દેખાતા તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પ્રોઝીટીવ આવ્યો છે. સરકારની સુચના મુજબ તેઓનો જીનોમ સિકવન્સિંગ કરવા રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે. હાલ મહિલાની હાલત સારી છે. નિયમનુસાર હોમ આઈસોલેશન હેઠળ છે.
ગઈકાલે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજયના તમામ આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કોવિડનું ગાઈડલાઈનનું પાલન કરાવવા તાકીદ કરવામાં આવી છે. સાથોસાથ બુસ્ટર ડોઝની કામગીરી પણ ફરી વેગવંતી બનાવવા સુચના આપવામાં આવી છે. કોરોના પોઝિટિવ કેસનો જીનોમ સિકવન્સિંગ રિપોર્ટ કરવા ખાસ સુચના આપવામાં આવી છે. કોન્ટ્રેકટ ટ્રેસીંગ પર પણ ભાર મૂકવા તાકીદ કરાય છે. વિદેશથી આવતા દરેક નાગરિકનો કોરોના ટેસ્ટ કરવા જણાવવામાં આવ્યું છે.
છેલ્લા ઘણા સમયથી વેકિસનેશનની કામગીરી મંદ ગતીએ ચાલી રહી છે. જેના કારણે રાજય સરકાર પાસે પણ કોવીશીલ્ડ વેકિસનનો સ્ટોક હાલ નથી દરમિયાન રાજકોટ મહાપાલિકા દ્વારા પણ સરકાર પાસે કોવિશીલ્ડ વેક્સિનના ડોઝની માંગણી કરવામાં આવી છે. સરકાર દ્વારા એકાદ બે દિવસમાં સ્ટોકની ફાળવણી કરી દેવામા આવશે.
હાલ કોર્પોરેશનના તમામ 23 આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના ટેસ્ટ થઈ રહ્યા છે. જો જરૂરીયાત જણાશે તો ફરી એરપોર્ટ, બસ પોર્ટ અને રેલવે સ્ટેશન પર ટેસ્ટીંગબૂથ ઉભા કરવામાં આવશે.