બદલાતા સમયની સાથે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જરૂરી, મહિલાઓની તરફેણમાં ત્રિપુરા હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
પતિ પોતાની પત્નીને કાયદાની જોગવાઇ મુજબ ભરણ પોષણ આપવા બંધાયેલો છે. પત્નીની જેમ રહેતી મહિલાને પણ પત્ની જેટલી જ કાયદાકીય રીતે સુરક્ષિત કરતો ત્રિપુરા હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો જાહેર કરી પતિ ભરણ પોષણ આપવા બંધાયેલો છે એટલુ જ નહી પણ તેની તમામ માલ-મિલતકમાં પત્નીની જેમ રહેતી મહિલાનો અબાધિત અધિકાર પ્રસ્થાપિત કર્યો છે.
પતિ-પત્નીના લગ્ન જીવન દરમિયાન થતા મનદુ:ખના કારણે કોર્ટમાં સીઆરપીસી કલમ ૧૨૫ની જોગવાય મુજબ ભરણ પોષણ માગતી હોય છે. ત્યારે પતિ પોતાની પત્નીને ભરણ પોષણ ન આપવા માટે કાયદાકીય છટકબારીનો ઉપયોગ કરી પોતાની પત્ની નોકરી કરી આવક કરી કમાણી કરતી હોવાથી ભરણ પોષણ આપવા બંધાયેલો નથી, પોતાના લગ્ન સિવાયના સંબંધો ગણાવી પત્નીની જેમ રહેતી હોવા અંગેના બચાવ રજુ કરવામાં આવતા હોય છે. ત્યારે ત્રિપુરા હાઇકોર્ટ દ્વારા મહિલાઓની તરફેણમાં ચુકાદો આપી પતિ દ્વારા રજુ કરાતા બચાવનો છેડ ઉડાડી દીધો છે.
બદલાતા સમયની સાથે કેટલીક મહિલાઓ પરપુરૂષ સાથે સંબંધ ધરાવતી હોય છે. પરંતુ તેને પત્ની નહી પરંતુ ઉપપત્નીની જેમ રહી પત્ની જેવા લગ્નેતર સંબંધો ધરાવતા હોય છે. આવા સંબંધોમાં મહિલા અને પુરૂષ વચ્ચે વાંધો પડે ત્યારે મહિલાઓ કોર્ટમાં કંઇ રીતે ન્યાય મેળવે તે અંગે પેચીંદો પ્રશ્ર્ન ઉપસ્થિત થતો હોય છે.
આવી મહિલાઓના શારિરીક શોષણ બાદ આથિક રીતે પણ ભાંગી ન પડે તે હેતુસર મહિલાના પત્ની જેવા સંબંધોને બદલાતા સમયની સાથે વાસ્તવિકતા હોવાનું ગણવું જરૂરી બન્યું છે. મહિલાઓની લાચારી અને મજબુરીને ધ્યાને રાખી ૨૦૦૫માં સરકાર દ્વારા કાયદામાં ઘણા ફેરફાર કર્યા છે અને મહિલાઓને ત્વરીત ન્યાય મળી રહે તેનું ખાસ ધ્યાન રાખી ઘરેલુ હિંસાનો કાયદો અમલમાં લાવ્યા છે.
૧૯૫૬ના દત્તક અને જાળવણી અંગે કાયદામાં ઘણી વિશાળ જોગવાય છે. પરંતુ તેને વાસ્તવિકતા સાથે હાલના સમય મુજબ સ્વીકારવું જરૂરી બન્યું છે. મહિલાઓ લાંબા સમય સુધી પત્નીની જેમ જે પુરૂષ સાથે રહી હોય ત્યારે તેને પત્ની જેવા હક્ક અને અધિકાર મળે તે પણ જરૂરી છે.
મહિલાને પ્રથમ પતિના બાળકો હોય તેને સાચવવા અને જાળવણી કરવી પણ હાલના પુરૂષની જવાબદારી બને છે. લાંબા સમય સુધી મહિલા સાથે પત્નીની જેમ રાખ્યા બાદ વાંધો પડે ત્યારે તેણી મારી પત્ની નથી એટલે તેને ભરણ પોષણ ચુકવવાની જવાબદારી પોતાની નથી કહી છટકી જતા પુરૂષોને ત્રિપુરા હાઇકોર્ટ દ્વારા જાહેર કરાયેલા ચુકાદો બંધન કર્તા બની ગયો છે.
પત્નીને કાયદાની જોગવાયથી વધુ મજબુત બનાવી પત્નીને સુરક્ષા સાથે ભરણ પોષણના હક્ક આપવા માટે બનાવવામાં આવેલા ૨૦૦૫ના ઘરેલું હિંસાના કાયદામાં મહિલા સુરક્ષા જાળવણી પર ભાર મુકવામાં આવ્યો છે. તે રીતે પત્નીની જેમ રહેલી મહિલાને પત્ની ગણી પુરૂષની પાસે ભરણ પોષણ માગવા અને તેની માલ-મિલકતમાં હિસ્સો માગવા હકદાર ગણવામાં આવી છે.
ભારતી બંધારણના આટિકલ ૨૧ની જોગવાય મુજબ મહિલાઓ માટેની સહાનુભૂતિને સુસંગત છે કારણ કે, આવી સ્ત્રીને સમાજમાં ગૌરવ સાથે રહેવાનો અધિકાર આપવો જરૂરી હોવાનું ત્રિપુરા હાઇકોર્ટના ચુકાદામાં ઠરાવવામાં આવ્યું છે.