• ચંદીગઢ એરપોર્ટની ઘટના : ખેડૂત આંદોલનમાં રૂ.100 આપીને મહિલાઓની ભીડ એકત્ર કરાતી હોવાના નિવેદનથી રોષે ભરાયેલ મહિલા કોન્સ્ટેબલે આવુ કૃત્ય કર્યું

અબતક, નવી દિલ્હી  હિમાચલથી દિલ્હી જઈ રહેલી અભિનેત્રી કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ પર તપાસ કરતી વખતે કુલવિંદર કૌર નામની સીઆઈએસએફની જવાને તમાચો ફટકારી દીધો હતો. કંગનાએ ખેડૂત આંદોલન વખતે કરેલાં ઉચ્ચારણોથી નાખુશ કુલવિંદર કૌરે કંગના તેની પાસે આવી કે તરત જ લાફો ફટકારી દીધો હતો. આ મહિલા જવાનની તત્કાળ અટકાયત કરી લેવામાં આવી હતી અને તેને સસ્પેન્ડ પણ કરી દેવાઈ છે.

કંગના દિલ્હી જવા માટે ચંડીગઢથી દિલ્હીની ફલાઈટ પકડી રહી હતી. બપોરે સાડા ત્રણ  વાગ્યાના અરસામાં તે એરપોર્ટમાં સિક્યોરિટી તપાસ માટે મહિલાઓ માટે બનાવેલાં આડશ ધરાવતાં બૂથમાં દાખલ થઈ હતી. આ વખતે મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌર ત્યાં ફરજ પર હાજર હતી.  કંગનાની સાથે પ્રવાસ કરી રહેલા તેના સાથીદાર મયંક મધુરના જણાવ્યા અનુસાર આ કોન્સ્ટેબલે કંગનાને લાફો ફટકારી દીધો હતો. તે કંગનાએ કિસાન આંદોલન વખતે કરેલી ખાલિસ્તાની તત્વો અંગેની કોમેન્ટથી નાખુશ હોવાનું જણાતું હતું.

બાદમાં કંગનાએ ખુદ આ બનાવને સમર્થન આપતો એક વીડિયો રીલિઝ કર્યો હતો. તેમાં તેણે જણાવ્યું હતું કે  હું સિક્યોરિટી ચેકમાંથી પસાર થયા પછી આગળ વધી ત્યારે  બીજી કેબિનમાં મહિલા જવાને હું આગળ આવું અને તેને ક્રોસ  કરું ત્યાં સુધી રાહ જોઈ હતી. તેણએ તરત જ એક સાઈડમાંથી આવીને મને  લાફો ફટકારી દીધો હતો અને  અપશબ્દો ઉચ્ચારી ગેરવર્તાવ પણ કર્યો હતો. મેં તેને પૂછ્યું હતું કે તેણે આવું કેમ કર્યું તો કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે તે ખેડૂત આંદોલનને સપોર્ટ કરી રહી છે. પંજાબમાં જે રીતે આતંકવાદ વધી રહ્યો છે  અને તેની સામે જે રીતે કામ લેવામાં આવી રહ્યું છે તેની મને ચિંતા છે.

કંગનાના નિવેદનની સમાંતર જ કુલવિંદર કૌરનો પણ પણ એક  વિડીયો વાયરલ થયો હતો. કુલવિંદરે કબૂલ્યું હતું કે પોતે કંગનાને લાફો માર્યો છે. તેણે કહ્યું હતું કે કિસાન આંદોલન ચાલતું હતું ત્યારે કંગનાએ એવું નિવેદન કર્યું હતું કે આ આંદોલનમાં મહિલાઓ 100-100 રુપિયા લઈને ધરણાં પર બેઠી છે. એ ધરણામાં બેસનારી મહિલાઓમાં મારી માતા પણ હતી.

કંગનાની સાથે રહેલા મયંક મધુરે આ મહિલા કોન્સ્ટેબલને પણ લાફો મારવાની કોશિશ કરી હોવાનું બનાવ સંદર્ભમાં વાયરલ થયેલા વીડિયોમાં જણાય છે.  બનાવની જાણ થતાં ચંડીગઢના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરત જ એરપોર્ટ પર દોડી ગયા હતા.  કુલવિંદર કૌર સામે એફઆઈઆર દાખલ કરી તેને અટકાયતમાં લેવાઈ હતી. સીઆઈએસએફ દ્વારા પણ તેને તત્કાળ સસ્પેન્ડ કરી દેવાઈ હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.