- સુરતમાં માતાને અંતિમ પત્ર લખી મહિલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું
- નિરાશાના કારણે આપઘાત કર્યાની આશંકા
સુરત ન્યૂઝ : સુરતમાં સીંગણપોર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ પોલીસને મળી છે. જેમાં તેણે પોતાની માતાને ઉદ્દેશીને લખ્યું છે કે અજાણ્યા વ્યક્તિ પર ભરોસો મૂકવો જોઈતો ન હતો. આ બનાવ અંગે સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
સુરતના સિંગણપોર વિસ્તારમાંથી આત્મહત્યાની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે સામાન્ય વ્યક્તિ એ નહીં પરંતુ, પોલીસ ખાતામાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હોવાની ઘટના બનવા પામી છે. સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
સિંગણપોર વિસ્તારમાંથી આત્મહત્યાની વધુ એક ઘટના સામે આવી
સિંગણપોર પોલીસ સ્ટેશનમાં છેલ્લા થોડા સમયથી મહિલા કોન્સ્ટેબલ તરીકે હર્ષાબેન ચૌધરી ફરજ બજાવી રહ્યા હતા. હર્ષાબેન ચૌધરી સીંગણપુર વિસ્તારમાં આવેલા મહેશ્વરી પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ત્યારે આજે હર્ષાબેન ચૌધરીએ તેના ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરી ગત રાત્રી સુધી સિંગાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર હાજર હતા. ત્યારબાદ આજે તેઓ પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર આવ્યા ન હતા. જેને લઇ તેમનું સંપર્ક કરવામાં આવતા સંપર્ક થઈ શક્યો ન હતો. આ દરમિયાન પોલીસ દ્વારા તપાસ કરતાં મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરીનો તેના રૂમમાંથી પંખા પર લટકેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઘરે કોઈ હાજર ન હતું ત્યારે હંસાબેન ચૌધરીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે પોલીસને જાણ થતા સિંગણપોર પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને આ બનાવ અંગે તેના પરિવારને જાણ કરી જરૂરી તપાસ હાથ ધરી હતી.
માતાને ઉદ્દેશીને સુસાઈડ નોટ લખી
મહિલા કોન્સ્ટેબલના આપઘાત બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરતા મહિલા કોન્સ્ટેબલના રૂમમાંથી પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી. મહિલા કોન્સ્ટેબલે લખેલી સુસાઇડ નોટને પોલીસે કબજે કરી છે. ત્યારે આ અંગે એસીપી લક્ષ્મણસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરીએ સુસાઇડ નોટ પોતાની માતાને ઉદ્દેશીને લખી છે. જેમાં તેણે કહ્યું છે કે અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો તે મારી ભૂલ હતી. ત્યારે હાલ મહિલા કયા વ્યક્તિની વાત કરતી હતી તેની જાણ પોલીસની થઈ શકી નથી. પોલીસે સુસાઇડ નોટ ના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
ભાવેશ ઉપાધ્યાય