પાંચ ધર્મના પ્રતિનિધિઓ દ્વારા બુઘ્ધવંદના ‘બુદ્ધવિચાર’ સેમિનાર સંપન્ન તથા ગત ફાઉન્ડેશનનો શુભારંભ
ભગવાન ગૌતમ બુદ્ધના જન્મ, બુદ્ધત્વ પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ એ ત્રિવિધ પ્રસંગોનો સાક્ષી પુરતો દિવસ એટલે વૈશાખી પૂર્ણિમા. આ બુદ્ધપૂર્ણિમાની ઉજવણીના ભાગ‚પે પૂર્વ સંધ્યાએ સુરક્ષા સેતુ સોસાયટી અને દલિત સેવા સંઘ- રાજકોટના સંયુકત ઉપક્રમે ‘બુદ્ધવિચાર’ સેમિનાર તથા તથાગત ફાઉન્ડેશનના શુભારંભનો ભવ્ય કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે વિવિધ ધર્મ અને સમાજના લોકો અને મોટી સંખ્યામાં બુદ્ધપ્રેમીઓની હાજરીમાં યોજાઈ ગયો.
મહાનુભાવો દ્વારા ભગવાન બુદ્ધની છબી પાસે દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. જૈન, બૌદ્ધ, વ્હોરા, મુસ્લિમ, હિન્દુ એમ પાંચ ધર્મના પ્રતિનિધિઓએ પણ બુદ્ધવંદના કરી હતી. દલિત સેવા સંઘના મંત્રી બાબુભાઈ ડાભીએ સ્વાગત પ્રવચન તેમજ કાર્યક્રમના સંયોજક ડો.સુનીલ જાદવે સેવા આપી હતી. તથાગત ફાઉન્ડેશનના સેવા, શિક્ષણ અને સ્વાસ્થ્યને સમર્પિતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જાણીતા કટાર લેખક અને વકતા જય વસાવડાએ જણાવ્યું હતું કે, જ્ઞાનવાન માણસ કયારેય કોઈ ભેદભાવમાં કે ઉંચ નીચમાં માનતો નથી. કટારલેખક ચંદુ મહેરિયાએ જણાવ્યું હતું કે બુદ્ધ એ વિધિવિધાન નથી જ્ઞાન છે. આચાર નથી વિચાર છે. આ સેમિનારમાં સુરક્ષા સેતુ સોસાયટી વતી ડી.સી.પી. ઓડેદરા, બાનલેબ્સના મોભી મૌલેશભાઈ ઉકાણી, જૈનધર્મના મોભી ચંદ્રકાન્તભાઈ શેઠ, વ્હોરા ધર્મના મોભી યુસુફભાઈ મુસ્લિમ ધર્મના વડીલ રજાકમીયા, પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરીયા, જાણીતા કવિ સંજુવાળા, નાટયકાર બેલડી ભરત યાજ્ઞિક- રેણુ યાજ્ઞિક વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના તમામ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.