Abtak Media Google News
  • સુરત ડ્રગ્સની બદ્દીથી ‘બદસુરત’
  • એટીએસની ટીમે રૂ. 51 કરોડની કિંમતનો 4 કિલો મેફેડ્રોન અને 31 કિલો લિકવીડ મેફેડ્રોન સાથે સુનીલ યાદવ અને વિજય ગજેરાની અટકાયત કરી
  • ડ્રગ્સની બદ્દીથી સુરત હવે દિનપ્રતિદિન ’બદસુરત’ બનતું જતું હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાંથી ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાતા હડકંપ મચી જવા પામ્યો છે. ગુજરાત એટીએસએ સુરતના પલસાણામાં દરોડા પાડ્યા છે. જ્યાંથી રૂ. 51 કરોડની કિંમતનો 4 કિલો મેફેડ્રોન અને 31 કિલો લિકવીડ મેફેડ્રોન સાથે બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
  • ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું માર્કેટ વધી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે, ત્યારે એટીએસની ટીમ દ્વારા ફરી ગુજરાતમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત એટીએસએ ગઈકાલે રાત્રે સુરતના કારેલીમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે. એટીએસએ કરોડોના રો મટીરિયલની સાથે 2 લોકોને ઝડપી પાડ્યા છે. આ મામલે એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

એટીએસમાંથી મળતી માહિતી અનુસાર એટીએસના ડીવાયએસપી એસ એલ ચૌધરીને બાતમી મળી કે, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પતરાના શેડ નંબર 12-13માં વિજય ગજેરા તથા સુનીલ યાદવ અને હરેશ કોરાટ નામના શખ્સો ગેરકાયદે માદક પદાર્થ મેફેડ્રોન બનાવીને મુંબઈના સલીમ સૈયદને વેચાણ કરી રહ્યા છે.

બાતમી મળતા ટેક્નિકલ તથા હ્યુમન રિસોર્સ દ્વારા ખરાઈ કરી પીઆઈ સી એચ પનારા, પીઆઈ વી એન વાઘેલા, પીએસઆઈ વાય જી ગુર્જર, પીએસઆઈ બી ડી વાઘેલા, પીએસઆઈ એમ એન પટેલ, પીએસઆઈ એચ ડી વાઢેર, પીએસઆઈ બી જે પટેલ આર સી વઢવાણાની ટીમે સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પતરાના શેડ ખાતે રેઇડ કરી માદક પદાર્થ બનાવતી મેન્યુફેક્ચરિંગ યુનિટ શોધી કાઢી હતી. જ્યાંથી એટીએસની ટીમે 4 કિલો મેફેડ્રોન, 31.409 કિલો લિકવીડ મેફેડ્રોન કબ્જે કર્યો છે જેની બજાર કિંમત રૂ. 51.409 કરોડ આંકવામાં આવી છે.

એટીએસની ટીમે સુનીલ રાજનારાયણ યાદવ (ઉ.વ.28) રહે. 502, બી-2 વિંગ, દેવ તપોવન, વાપી અને વિજય જેઠાભાઇ ગજેરા (ઉ.વ.38) રહે. બી-301, હરીવીલા રેસીડેન્સી, સાવલિયા સર્કલ, યોગી ચોક, વરાછા, સુરતવાળાની ધરપકડ કરી છે જયારે હરેશ કોરાટ રેઇડ દરમિયાન હાજર મળી આવ્યો ન હતો.

ડ્રગ્સ તૈયાર કરી મુંબઈના સલીમ સૈયદને વેચાણ કરાતો’તો

એટીએસ વર્તુળોમાંથી મળતી વિગતો અનુસાર ઝડપાયેલા બંને આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, સુનીલ વિજયે હરેશ કોરાટ સાથે ભાગીદારીમાં મેફેડ્રોન બનાવવાનું શરૂ કરેલ હતું. અગાઉ ચાર કિલો મેફેડ્રોનનું એક ક્ધસાઈમેન્ટ બનાવીને મુંબઈના સલીમ સૈયદ તથા તેના સાગરીતોને વેચાણ કરી નાખ્યાની હકીકત આપી છે.

ડ્રગ્સ ફેક્ટરીનું સૌરાષ્ટ્ર કનેક્શન : હરેશ કોરાટને જૂનાગઢથી ઉઠાવી જતી એટીએસ

ડ્રગ્સ ફેક્ટરી સુનીલ યાદવ, વિજય ગજેરા અને હરેશ કોરાટ નામના શખ્સોએ શરૂ કરી હતી. જે પૈકી સુનીલ અને વિજયને ઘટનાસ્થળેથી જ એટીએસએ પકડી લીધા બાદ હરેશ કોરાટને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. દરમિયાન હરેશ કોરાટનું પગેરું જૂનાગઢ તરફ મળતા એટીએસની ટીમે જૂનાગઢ પોલીસને જાણ કરી હતી. જેથી જૂનાગઢ એસઓજીએ હરેશ કોરાટને પકડી પાડ્યા બાદ એટીએસની ટીમ જૂનાગઢ આવવા રવાના થઇ હતી અને બાદમાં હરેશ કોરાટનો કબ્જો લઇ એટીએસની ટીમ પરત ફરી હતી.

ઓનલાઇન વિડીયો જોઈને મેફેડ્રોન બનાવતા શીખ્યા હતા

પકડાયેલ આરોપી વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જીનીયર છે જયારે સુનીલ યાદવ કેમિકલ ટ્રેડિંગના ધંધા સાથે જોડાયેલો છે. બંને શખ્સો ઓનલાઇન વિડીયો જોઈને મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું શીખ્યા હતા તેવી કેફીયત તેમણે એટીએસ સમક્ષ આપી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.