અટલ બિહારી વાજપેયી ઓડીટોરિયમ ખાતે પંચાયત પદાધિકારી અને કર્મચારીઓની એક દિવસીય પંચાયત-ગ્રામ પ્રશિક્ષણ શિબિર યોજાઈ
અટલ બિહારી વાજપાયી ઓડિટોરીયમ ખાતે રાજકોટ જિલ્લાના પંચાયત પદાધિકારીઓ અને કર્મચારીઓની એક દિવસીય પંચાયત- ગ્રામ વિકાસ પ્રશિક્ષણ શિબિર યોજાઇ હતી. આ પ્રસંગે કલેકટર અરુણ મહેશ બાબુએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, સરકારની લોક કલ્યાણ લક્ષી યોજનાઓનો લાભ વધુ ને વધુ લોકો સુધી પહોંચે તે માટે સતત પ્રયાસો થવા જોઈએ. ઉપરાંત તેમણે રાજકોટ ડિસ્ટ્રીક્ટ લાઈવલીહુડ મિશનની કામગીરીને બિરદાવી હતી. અને તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
રાજયસરકારની વિવિધ યોજનાઓ જિલ્લાના તમામ વિસ્તારના લોકો સુધી પહોંચે તેવા હેતુથી જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓના તમામ ગામોના સરપંચઓ, તાલુકા પંચાયત સદસ્યો અને તલાટીઓ વગેરેને સરકારની વિવિધ યોજનાઓ અંગે તાલીમ અને માર્ગદર્શન અપાયું હતું.
શિબિરનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ઉદઘાટન સમારોહ માં જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સવિતાબેન વસાણી તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, એસ.પી. જયપાલસિંહ રાઠોર, તાલુકા વિકાસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એસ. ઠુંમરે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બ્રિજેશ કાલરીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ , કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. સરકારી યોજનાઓ જેવી કે મનરેગા, નેશનલ રૂરલ લાઇવલી હુડ મિશન, તેમજ 15માં નાણાં પંચની જોગવાઇઓ વગેરે અંગે તાલીમ આપવામાં આવી હતી. આ એક દિવસીય તાલીમમાં લગભગ 750 જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.