Abtak Media Google News
  • પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો-સમસ્યાઓના નિવારણના ટેક્નોલોજીયુક્ત અભિગમ ‘સ્વાગત’ ઓનલાઇનનો રાજ્ય ‘સ્વાગત’ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયો
  • તાલુકા-જીલ્લા સ્વાગતમાં આવતી રજૂઆતોનું સ્થાનિક સ્તરે જ નિરાકરણ થઈ જાય તેવો પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા મુખ્યમંત્રીશ્રીનું સૂચન
  • જુલાઈ-૨૦૨૪ના ‘સ્વાગત’ ઓનલાઇન કાર્યક્રમમાં સમગ્રતયા ૧૪૯૫ રજૂઆતોના નિવારણ સાથે ૫૯ ટકા પ્રશ્નોનો નિવેડો આવી ગયો IMG 20240725 WA0020

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વાગત’ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરે આવતી પ્રજાજનો-નાગરિકોની રજૂઆતોનું સ્થાનિક સ્તરે જ નિવારણ લાવવાનો પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા જિલ્લા અને તાલુકા તંત્ર વાહકોને સૂચન કર્યું છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જિલ્લા-તાલુકા ‘સ્વાગત’માં લાંબા સમય સુધી લોકોની રજૂઆતો નો ઉકેલ ન આવે અને તેમને તે માટે રાજ્ય ‘સ્વાગત’ સુધી આવવું પડે છે તેવી પરિસ્થિતિ નિવારવી જરૂરી છે.IMG 20240725 WA0017

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં જુલાઈ-૨૦૨૪ મહિનાના રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન કાર્યક્રમમાં મળેલી રજૂઆતો-પ્રશ્નોના નિવારણ માટે જિલ્લાતંત્રોને માર્ગદર્શન આપતાં આ સૂચનો કર્યા હતા.તાલુકા મામલતદારોની તાલુકા ‘સ્વાગત’ની કામગીરીની સમીક્ષા પણ મુખ્યમંત્રીશ્રીએ હાથ ધરી હતી.

જુલાઈ-૨૦૨૪ના આ ‘સ્વાગત’માં રાજ્ય, જિલ્લા અને તાલુકા ‘સ્વાગત’માં કુલ મળીને ૨૫૩૮ રજૂઆતો આવી હતી. જેમાંથી ૫૯ ટકા એટલે કે ૧૪૯૫ રજુઆતોનું નિરાકરણ લાવી દેવાયું છે. ગુરૂવારે રાજ્ય ‘સ્વાગત’માં મહેસુલ, પંચાયત, શહેરી વિકાસ, પોલીસ અને માર્ગ મકાન વિભાગને સ્પર્શતી રજૂઆતો આવી હતી. IMG 20240725 WA0013

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે આ રજૂઆતો રજૂઆતકર્તાઓ પાસેથી વિગતવાર સમજીને તેના ત્વરિત નિવારણ માટે તેમણે સંબંધિત વિભાગોના સચિવો અને સંબંધિત જિલ્લા-શહેરી તંત્રવાહકોને દિશાનિર્દેશ આપ્યા હતા. સંબંધિત રજૂઆતકર્તાઓએ પણ આ અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. 

આ ‘સ્વાગત’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, ખાસ ફરજ પરના અધિકારી શ્રી ધીરજ પારેખ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.