દરિયાકિનારા પર જીવન અને સંપત્તિની સુરક્ષા માટે મદદરૂપ થશે આ સિસ્ટમ: સમુદ્રની હવામાન પરિસ્થિતિ, ભરતીની પ્રકૃતિ અને પ્રવાહો વિશે આપશે સચોટ માહિતી
હિંદ મહાસાગરમાં 16 ડાયરેક્શનલ વેવ રાઇડર બોયા તૈનાત કર્યા છે. વેરાવળ સંશોધન કેન્દ્રે હૈદરાબાદના સહયોગથી ગીર-સોમનાથ જિલ્લાના સોમનાથમાં સમુદ્ર સપાટી પર વેવ રાઇડર બોયાને તૈનાત કર્યું છે. આ બોયામાંથી એકત્રિત કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ ભવિષ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા માટે ચોક્કસ સમયની માહિતી સિસ્ટમ વિકસાવવા માટે કરવામાં આવશે. આ વેવ રાઇડર બોયા સમુદ્રની હવામાન પરિસ્થિતિ, સમુદ્રની ભરતીની પ્રકૃતિ અને સમુદ્રી પ્રવાહો વિશે સચોટ માહિતી આપે છે.
ઉપરાંત તોફાનો અને દરિયાની સ્થિતિની આગાહી કરવામાં પણ મદદ કરે છે. દરિયાઈ ઈજનેરી, શિપિંગ અને ફિશરીઝના સંદર્ભમાં તેમજ દરિયાઈ વિજ્ઞાનના પાયાના સંશોધનો, આબોહવા પરિવર્તન તેમજ ચક્રવાતની અસરના અભ્યાસ માટે વેવ રાઈડર બોયા એ ટૂંકા ગાળા તેમજ લાંબા ગાળાના અભ્યાસ માટે ખૂબ ઉપયોગી છે.
ખાસ કરીને આ બોયા દરિયાકિનારાની નજીક મહત્વપૂર્ણ કામગીરી કરે છે. કારણકે આવા પ્રદેશમાં સચોટ માહિતી જરૂરી છે. આ સિસ્ટમ ફાઈન-ટ્યુનિંગ વેવ ફોરકાસ્ટ મોડલ્સમાં મદદરૂપ થશે અને સિસ્ટમ તરંગોની વિશેષતાઓને વધુ સચોટ રીતે દર્શાવશે.
શું છે વેવ રાઈડર બોયા?
વેવ રાઈડર બોયા એ પાણીની સપાટી પર તરતા બોયા છે. જે સ્થિતિસ્થાપક મૂરિંગ દ્વારા સમુદ્રતળ પર લાંગરેલા હોય છે. એક્સીલેરોમીટર બોયા ઉપર-નીચેની ગતિને માપવા માટે મદદ કરે છે. જે સમુદ્રની સપાટીની હિલચાલને અનુસરે છે. બોયાની અંદરના ઈલેક્ટ્રોનિક્સ સર્કિટ્સના માહિતી તરંગ દિશાઓને ઉકેલવા માટે હેવ સાથે જોડાય છે. જેથી તરંગોની ઊંચાઈ તેમજ તરંગો કઈ દિશામાંથી કિનારે આવી રહ્યાં છે. તેની ચોક્કસ માહિતી મળી શકે. જે દરિયાકિનારા પર જીવન અને સંપત્તિની સુરક્ષા માટે મદદરૂપ થશે.