નવો ટાંકો બનાવવાની સૈધ્ધાંતિક મંજુરી પણ આપતા મ્યુનિ. કમિશનર

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ન્યારી પાણી પુરવઠાના ઈ.એસ.આર. (સ્ટોરેજ ટાંકા)નો કવર સ્લેબ તૂટવાની ઘટનાની અત્યંત ગંભીરતાથી ધ્યાને લઇ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આ ટાંકાની બાજુમાં જ વધુ ક્ષમતાનો એક નવો ઈ.એસ.આર. બનાવવા તથા વર્તમાન ટાંકાને વધુ મજબુત બનાવી તેના ફેર ઉપયોગ માટે યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરાવી દીધી છે. મ્યુનિ. કમિશનરની સૂચના અનુસાર આજે ડેપ્યુટી મ્યુનિ. કમિશનર એ.આર.સિંઘ અને  અને સિટી એન્જી. કે.એસ.ગોહેલે ન્યારી ઈ.એસ.આર.ની ફરીથી સ્થળ મુલાકાત કરી હતી અને હાલ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મ્યુનિ. કમિશનરે આ કામ તાબડતોબ પૂર્ણ કરવા સંબંધિતને સૂચના આપેલ છે. આજે ડે. કમિશનર એ.આર.સિંઘ અને સિટી એન્જી. કે.એસ.ગોહેલે છેક ટાંકા ઉપર જઈને કામગીરી નિહાળી હતી. શહેરના વેસ્ટ ઝોનના ભવિષ્યના ડેવલપમેન્ટ પ્લાનીંગ માટે નવા ટાંકાની પરવાનગી બાબતે રાજ્ય સરકાર સાથે પરામર્શ બાદ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમન તથા અન્ય પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનરે હાલના ન્યારી ઈ.એસ.આર.ની બાજુમાં જ એક નવો ઈ.એસ.આર. બનાવવાનું નક્કી થયું હતું. આ  નવો ઈસેઆર ૩ એમએલ (૩૦ લાખ લીટર)નો બનશે. હાલના ઈએસઆરની બાજુના પ્લોટમાં જ આ ટાંકો બનાવવા મ્યુનિ. કમિશનરે ફાઈલ પર સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.

અત્યારના ન્યારી ઈએસઆરની ક્ષમતા ૨૨ લાખ લીટર (૨.૨ એમએલ) છે અને નવા બનનાર ઈ.એસ.આર.ની ક્ષમતા ૩ એમએલ  (૩૦ લાખ લીટર) હશે. આમ વેસ્ટ ઝોન માટે ન્યારીના આ બંને ઈ.એસ.આર. મળીને કુલ ક્ષમતા ૫.૨ એમ.એલ. બાવન લાખ લીટર થશે અને વેસ્ટ ઝોનની પાણી વિતરણ વ્યવસ્થા વધુ મજબુત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.