રાજકોટમાં ચડી બનીયાનધારી ગેંગનો આતંક યથાવત

શાળાની એડમીન ઓફિસમાંથી મોટી મત્તા હાથે ન લાગતા લૂંટારુઓ ત્રણ લેપટોપ ઉઠાવી ગયા: ઘટના સીસીટીવીમાં કેદ

વહેલી સવારે ઘટનાની જાણ થતા ડીસીપી સહિતનો કાફલો દોડી ગયો: ડોગ સ્કોવડની મદદથી તપાસનો ધમધમાટ

રાજકોટ શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ચડી બનીયાનધારી ગેંગનો આતંક વધી રહ્યો હોય તેમ લુંટની અનેક ઘટનાઓને અંજામ આપી આ ગેંગ દ્વારા જાણે પોલીસને સીધો પડકાર ફેંકવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક માસમાં ચડી બનીયાનધારી ગેંગ દ્વારા અનેક ચોરી અને લૂંટને અંજામ આપતા લોકોમાં ફફડાટ મચી ગયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરની ભાગોળે આવેલા વેજા ગામમાં રહેલી તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગઈકાલે મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં ચડી બનિયાન ઘારી ગેંગ ત્રાટકી હતી અને તેઓએ ચોકીદારી કરી રહેલા દંપતિ લલિત ચુનીલાલ મારવાડી (ઉ.વ.૩૫) અને તેમના પત્ની સવિતાબેન મારવાડી (ઉ.વ.૩૨)ને માર મારી લૂંટ ચલાવી હતી. આ અંગે ઘટનાની જાણ થતા ડીસીપી સુધીર દેસાઈ સહિતનો પોલીસ કાફલો અને શાળાના સંચાલક અને પ્રિન્સિપાલ સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ડોગ સ્કોવડની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ગઇ કાલે રાત્રીના ૧:૪૫ વાગ્યાની આસપાસ ૫-૬ શખ્સો ચડી બનીયાનધારી વેશમાં મોઢે બાંધી ખેતરના રસ્તે શાળાના દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં તેઓએ પહેલા એડમિન ઓફિસમાં ફંફેરો કર્યો હતો પરંતુ તેઓને કોઈ મોટી મત્તા હાથ ન લાગતા શાળામાં તોડફોડ કરી ચાંદીની સરસ્વતી માતાની મૂર્તિ અને ત્રણ લેપટોપ ઉઠાવી ગયા હતા.

જ્યાંથી આ લુંટારૂઓની ગેંગ સ્કૂલના પાછળના ભાગમાં આવેલા ચોકીદારની ઓરડી પાસે ગયા હતા. જ્યાં પહેલી ઓરડીનો દરવાજો તોડી તેમાં કોઈ ન હોવાથી બાજુની ઓરડીમાં ગયા હતા. જ્યાં દરવાજાને પાટું મારી ખોલતા તેમાં ચોકીદાર દંપતી લલિતભાઈ અને સવિતાબેન સૂતા હતા તેઓ જાગી જતા ગેંગના શખ્સોએ તેમની સાથે ઝપાઝપી કરી હતી. જેમાં દંપતીને ઇજા થતાં તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પોલીસે શાળાના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તે ઉપરાંત ઘટના સ્થળ પર એફ.એસ.એલ.ની ટીમ પણ પહોંચી ગઈ હતી. જ્યારે ડોગ સ્કોવડની મદદથી પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથધરી છે.

એક માસ પૂર્વે જ રાજકોટમાં ચડ્ડી-બનિયાનધારી ગેન્ગે આતંક મચાવવાનું શરૂ કરી દીધું હતું, ઔદ્યોગીક વિસ્તારમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગ ઠેર ઠેર ત્રાટકી રહી છે, આ ગેંગ દ્વારા અત્યાર સુધી ચાર કારખાના સહિત ૬ સ્થળો પર હાથફેરો કરી લાખોની મત્તા ચોરાઈ ગયા હતા. તેમજ ગઢકા ગામમાંથી જ સુરાપુરા દાદાના મંદિરની તિજોરી ઉઠાવી ગયા હતા.

હજુ થોડા દિવસ પહેલા જ સુરેન્દ્રનગરના જોરવનગર પોલીસ મથકના સ્ટાફે ચડી બનીયાનધારી ગેંગના છ તસ્કરોને દબોચી લઈ રાજકોટ, બોટાદ સહિતના ગામમાંથી ૫૮ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ત્યારે ગેંગના અમુક સાગરીતોને દબોચી લીધા થોડા જ દિવસોમાં ફરી ચડી બનીયાનધારી ગેંગ સક્રિય થઈ લૂંટ ચલાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.