જાપાન, ચીન, ઈન્ડોનેશિયા અને આફ્રિકાના સહેલાણીઓ મહાત્મા ગાંધી મ્યુઝિયમ નિહાળી થયા અભિભૂત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની આલ્ફેડ હાઈસ્કુલ ખાતે રૂ.૨૬ કરોડના ખર્ચે મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. બે માસ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મ્યુઝિયમનું લોકાર્પણ કરાયા બાદ બે માસમાં ૨૭૬૬૦ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધી છે. જાપાન, ચીન, ઈન્ડોનેશિયા અને આફ્રિકા સહિતના વિદેશી સહેલાણીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમ નિહાળી અભિભૂત થયા છે.
ગત ૧લી નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધીના એક માસના સમયગાળામાં ૧૬,૧૫૨ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. જેમાં ૩ થી ૧૨ વર્ષ સુધીની ઉંમરના ૪૧૨૯ બાળકો, ૧૨ વર્ષથી વધુ ઉંમરના ૧૧,૯૮૩ વ્યકિતઓ અને ૪૦ વિદેશી મુલાકાતીઓનો સમાવેશ થાય છે. સહેલાણીઓ થકી કોર્પોરેશનને રૂ.૩,૫૮,૬૬૫ની આવક થવા પામી છે. બે માસ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બે માસમાં ૨૭,૬૬૦ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લેતા મહાપાલિકાને રૂ.૬ લાખની આવક થવા પામી છે.