ઓછી ખાંડ અને વધુ માવાવાળા પેંડા વખણાય છે
જસદણ તા. 14 : સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં આટકોટ પેંડા માટે જાણીતું અને માનીતું બન્યું છે. આટકોટના મોટા પેંડા અનેક સંતો-મહંતો તેમજ સ્વાદ પ્રેમીઓ માવાના પેંડાની સ્વાદની સોડમ માણી ચુક્યા છે. સૌરાષ્ટ્રની ખાણીપીણી અનેક તાલુકા કે જીલ્લામાં કંઈક ને કંઈક ઓળખ બતાવતું જ હોય છે.
જેમ કે ગોંડલના ગાંઠિયા અથવા પી.વન ખાદી, રાજકોટનો ચેવડો અને સોનાના આભૂષણ, જામનગરની બાંધણી, કચ્છની ખારેક. ત્યારે જસદણ તાલુકાના આટકોટ ગામે 100 ગ્રામથી લઈ 500 ગ્રામ સુધીના વજન ધરાવતા પેંડા થી આગવું નામ પ્રદાન કર્યું છે. આ પેંડાનો સ્વાદ એટલો વિશિષ્ઠ બનાવ્યો છે કે લોકોને બોલવું જ પડે કે પેંડા એટલે આટકોટ ના જ.જસદણના છોટે જલારામ તરીકે ખ્યાતી પામનાર પૂજ્ય હરીરામ બાપા પણ તેમની દુકાને પધારેલ ત્યારે આ પેંડાના ભરપૂર વખાણ કરેલ તેમજ ભાવનગર, સુરત અને મુંબઈ જતા લોકો તેમનાં સગાસ્નેહી માટે 10 થી 20 કિલો માવાના પેંડા લઈ જાય છે.
વળી મુંબઈ અને દિલ્હીના લોકો કહે છે કે કાઠીયાવાડના આટકોટના અતિપ્રિય લાગેલા પેંડા જ્યારે જાવ ત્યારે અમારે માટે અચુક લાવજો. આટકોટના ચંદ્રેશ્વરના પેંડા ઓછી ખાંડ તેમજ માવાની એકધારા સ્વાદથી વધુ સારા બનાવી રહ્યાં છે. પેંડાનો કલર લાલાશ વાળો નહીં બલ્કે માવા જેવો જ કલર વાળો બનતો હોવાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પેંડા ખ્યાતિ પામવાનું કારણ આપતા આટકોટના પ્રફુલભાઈ સોમૈયાએ જણાવ્યું હતું કે, માવો એક
સરખો વધુ મીઠાં નહીં તેમજ પેંડાનો કલર જ એક માવા જેવો આપું છું. સંતોના મને એવા આશિર્વાદ મળ્યા છે કે મારી દુકાનમાં બનતા પેંડા વિશેષ સારા બને છે. આ તકે છોટે જલારામ તરીકે ઓળખાતા પૂજ્ય હરીબાપાનો હું ખુબ ખુબ આભાર વ્યકત કરૂ છું. હાલ અમારી એક જ દુકાન આટકોટ બસ સ્ટેશન નજીક પેંડા બનાવે છે જે ચંદ્રેશ્વર પેંડાથી પ્રખ્યાત છે. જૂની શાખાથી પેંડાની દુકાન આટકોટ ખાતે માવાના પેંડાથી ચાલે છે.