મોબાઇલ ફોન, તમાકુ, રીઢા આરોપીઓને ભાવતા ભોજન પિરસાતા અને પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં મળતી હોવાના આક્ષેપથી ખળભળાટ
માંગરોળ સબ જેલની એક મોટી લાલીયાવાડી ચાલતી હોવાના આક્ષેપ સાથે વાયરલ થયેલ કથિત વિડિયો સામે આવતા સમગ્ર ગુજરાતમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે. જ્યારે રાજ્યના ગૃહમંત્રી સૌરાષ્ટ્રના પ્રવાસે હતા ત્યારે જ જેલના કેદીઓને અપાતી સગવડતા અંગેનો એક કથિત વિડિયો વાયરલ થવા પામ્યા છે. જો કે, બાદમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સબ જેલ ખાતે દોડી ગયા હતા અને તપાસ આદરી હતી, દરમિયાન એક કેદી પાસેથી મોબાઇલ ઝડપાતા, આ બાબતે સબ જેલમાં ગેરકાયદેસર મોબાઈલ રાખવા અંગે ફરિયાદ થવા પામી છે. તો બીજી બાજુ સબ જેલના અધિકારીઓ સામે પગલા ભરવા પણ માંગ ઉઠવા પામી છે.
રાજ્યના ગૃહ મંત્રી જ્યારે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા ત્યારે જ જુનાગઢ જિલ્લાના માંગરોળ સબ જેલના અધિકારી દ્વારા લાલિયાવાડી ચાલતી હોવાનો એક કથિત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં કેદીઓને નાસ્તા સહિતની સગવડ અપાતી હોવાનું દર્શાવાય રહ્યું છે. તથા સબ જેલના અધિકારી સાથે જો સેટિંગ ગોઠવાઈ તો જેલમાં રહેતા કેદીઓને તમામ જાતની સુવિધાઓ અને સગવડો આપવામાં આવતી હોવાના આક્ષેપો પણ ઉઠવા પામ્યા છે.
માંગરોળની સબ જેલમાં કેદીઓને સેટિંગ બાદ અપાતી સગવડોના આક્ષેપ સાથેનો કથિત વિડીયો વાયરલ થતા માંગરોળ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ તાત્કાલિકા માંગરોળ સબ જેલ ખાતે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન મૂળ કેશોદના સુત્રેજ ગામના અને માંગરોળ સબ જેલનાં કેદી જીતુ નાથાભાઇ સુત્રેજા (ઉ.વ. 30) પાસેથી પોલીસે એક મોબાઈલ પકડી પાડી સબ જેલના કેદી જીતુ સુત્રજા સામે આરોપીને ખબર હોય કે જેલમાં મોબાઇલ ફોન, સીમકાર્ડ વિગેરે લાવવા બાબતે પ્રતિબંઘ હોય તેમ છતાં અન અઘિકૃત રીતે જેલમા મોબાઇલ ઘુસાડી જાહેરનામાનો ભંગ કર્યા અંગેનો ગુનો દાખલ થયો છે.
ખૂબ જ ગંભીર કહી શકાય તે પ્રકારની આ ઘટના કથિત વિડીયો દ્વારા વાયરલ થતા આ બાબત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. તો બીજી બાજુ આ ઘટનાના ગૃહ વિભાગ સુધી પડઘા પડ્યા છે અને પોલીસ તંત્ર પણ ચકરાવે ચડ્યું છે. અને તપાસના ધમધમાટ શરૂ થયા છે. જો કે, આ વીડિયોમાં સબ જેલના અધિકારી અને કર્મીઓ દ્વારા લાલિયાવાડી ચલાવાય રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.