કાલાવડ રોડ પર રહેતી પટેલ પરીણીતા દ્વારા અમેરીકા સ્થિત સાસરીયાઓ વિરૂધ્ધ કરાયેલી દુ:ખત્રાસની ફરીયાદ અન્વયે સાસુને અટક કરી કસ્ટડીમાં રાખતા સાસુ દ્વારા સુપ્રિમ કોર્ટના ચૂકાદાનું પાલન ન કરાયની અરજી થતાં અદાલતે પોલીસ અધીકારીનો લેખીત ખુલાસો કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામેલ છે.
આ કેસની હકીકત એવી છે કે રાજકોટના કાલાવડ રોડ પર રહેતી તુલજા ચંદુભાઈ કણસાગરા (પટેલ)એ અમેરીકા રહેતા તેના પતિ બોની પ્રવિણભાઈ પટેલ, સસરા પ્રવિણભાઈ નારણભાઈ પટેલ, સાસુ જયશ્રીબેન પ્રવિણભાઈ પટેલ, નણંદ અમી પ્રવિણભાઈ પટેલ વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી જણાવેલ હતુ કે સને-2013 ના વર્ષમાં તુલજા અને બોની પટેલે રજીસ્ટર્ડ લગ્ન કરેલ હતા અને લગ્નના ચારેક દિવસ બાદ પતિ તથા સાસરીયાઓ સાથે રહેલા અને ત્યારબાદ તુલજા ના વિઝાની કાર્યવાહી ન કરી તમામ અમેરીકા જતા રહેલ અને થોડા સમય બાદ તુલજાના પિતાએ ફોન કરતા આરોપીઓએ ફરીયાદીના પિતાને કરીયાવરમાં કઈ લાવેલ ન હોય જેથી સંબંધ રાખવો નથી તેમ કહેતા ફરીયાદીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં માનસીક દુખત્રાસ આપેલ હોવાની તથા કરીયાવર ઓળવી જવાની ફરીયાદ નોંધાવી હતી.
ઉપરોકત ફરીયાદની તમામ બાબતોથી અજાણ જયશ્રીબેન પ્રવિણભાઈ પટેલના માતાનું ઉપલેટા મુકામે અવસાન થતા તેઓ તેમની માતાની લૌકિક ક્રિયાઓ માટે તા.01/04/2011 ના રોજ અમેરીકાથી આવેલ હોવાની માહિતી ફરીયાદીએ પોલીસને આપતા મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા એન.એસ.સવનિયાએ કાયદાની તમામ મર્યાદાઓ વટાવીને એક સ્ત્રીને સર્વોચ્ચ અદાલતની સ્પષ્ટ મનાઈ હોવા છતાં અટક કરી કસ્ટડીમાં રાખેલ હતા.
પી.એસ.આઈ. દ્વારા આરોપીને બીજા દિવસે રાજકોટની અદાલતમાં રજૂ કરાતા આરોપીએ પોતાના બચાવમાં અદાલતમાં પોલીસ અધીકારી દ્વારા સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શીકાઓ તેમજ કાયદાની આદેશાત્મક જોગવાઈઓની ઉપરવટ જઈ ફરીયાદીની દોરવણી મુજબ ગેરકાયદેસે અમેરીકાના નાગરીકને કસ્ટડીમાં રાખેલ હોય પોલીસ વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા અને આરોપીને તાત્કાલીક કસ્ટડીમાંથી મુકત કરવા અરજી કરી હતી જે અન્વયે અધિક ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા આરોપીને તાત્કાલીક કસ્ટડીમાંથી મુકત કરવાનો આદેશ કરી તેમજ આરોપી તરફે તપાસ કરનાર અમલદાર વિરૂધ્ધ અરજીનું સંજ્ઞાન લઈ પોલીસ દ્વારા સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શીકાનું પાલન શા કારણથી કરવામાં આવેલ નથી તે બાબતનો ખુલાસો કરવા હુકમ કરવામાં આવતા સમગ્ર પ્રકરણ પોલીસ વર્તુળમાં ચર્ચાનો વિષય બની ગયેલ હતો.
આ કામમાં મહિલા આરોપી વતી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી, વિરમ ધરાંગીયા, ઈશાન ભટ્ટ રોકાયા છે.