મંદિર અને દરગાહ બન્ને ધરાવતા આ સ્થળ ઉપર કોઈ રાત્રી રોકાણ કરી શકતું નથી : અહીં મુંજાવર મહંમદશાહ શાહમદાર મંદિર-દરગાહની પૂજા-અર્ચના કરે છે : નાના એવા વણપરી ગામના તમામ હિંદુ પરીવારો લગ્નબાદ પીરબાબાને માથુ ટેકવે છે
જ્ઞાતિ અને ધર્મને લઈ લોકો વચ્ચે ભાગલા પડાવી મતના રાજકારણ ખેલાઈ રહ્યા છે. જેમાં અનેક વખત લોહી પણ વહી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાના એવા વણપરી ગામે ભાઈચારાની અનોખી મિશાલ આજકાલથી નહીં પરંતુ દાયકાઓથી જોવા મળી રહી છે.
રાજકોટ-જામનગર હાઈવે પર આવેલી આ અદભુત જગ્યામાં મંદિર અને દરગાહ એક જ પરીસરમાં છે. ‘અડીયલશાપીર’ અને ‘જિદ્દીલા હનુમાનજી’ના આ મંદિરની મજાની વાત તો એ છે કે દરગાહના મુંજાવર મહમંદશાહ શાહમદાર બંને ધર્મસ્થાનોનું પૂર્ણભકિતભાવથી પૂજન-અર્ચન કરે છે અને હનુમાન જયંતિના અવસરે દર વર્ષે હનુમાનજીને સીંદુર ચડાવી બટુક ભોજન પણ તેઓ કરાવે છે.દાયકાઓથી અયોધ્યામાં રામજન્મભૂમિ અને બાબરી મસ્જીદને લઈ વિવાદો ચાલી રહ્યા છે ત્યારે પડધરી નજીક વણપરી ગામમાં આવેલ અડીયલશાપીરબાબાની દરગાહ અને જિદ્દીલા હનુમાનજીની જગ્યા કોમીએકતા માટે અનોખો સંદેશ આપી રહી છે જો આ અનોખા ધર્મસ્થળ મુજબ લોકો વર્તવાનું શરૂ કરે તો કયાંય પણ કોમી તોફાનો તો ઠીક કોમ-કોમ વચ્ચે વર્ષો જુના વિવાદો સમી શકે તેમ છે. લગભગ ૩૫૦ થી ૪૦૦ વર્ષ પુરાણી એવી અડીયલશાપીરબાબાની દરગાહમાં અંદાજે ૧૫૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને દાયકાઓથી હનુમાનજી મંદિરની સેવા પણ મુંજાવર પરીવાર કરી રહ્યો છે.
સામાન્ય રીતે કોઈ એક જ સ્થળે હિન્દુ મંદિર અને મુસ્લિમ સમાજનું ધર્મસ્થળ સાથે જોવા મળતા નથી પરંતુ રાજકોટ-જામનગર હાઈવે પર રાજકોટથી ૨૭ કિ.મી.દુર આવેલ વણપરી ગામમાં આ અદભુત અનોખો કોમી એકતાનો સંગમ જોવા મળે છે. અહીં એક જ પરીસરમાં અડીયલશાપીરબાબા બિરાજમાન છે અને તેમની મજારની બાજુમાં જ ૧૦ થી ૧૫ મીટર દુર જિદ્દીલા હનુમાનજી બિરાજમાન છે. જોગસંજોગ પણ અજીબોગરીબ છે. પીરબાબાનું નામ અડીયલશા એટલે કે એક પ્રકારની જિદ્દ એવો અર્થ નિકળે તો હનુમાનજીનું નામ જિદ્દીલા હનુમાન છે. આમ બંનેના નામોમાં પણ સામ્યતા છે.કોમી એકતાની મિશાલ શમા આ ધર્મસ્થળના મુંજાવર મહમંદશાહ શાહમદાર જણાવે છે કે, તેમના વડવાઓ છેલ્લી સાત પેઢીથી અડીયલશાપીરબાબા અને જિદ્દીલા હનુમાનજીની સેવા-પૂજા કરે છે. આ ધર્મ પરીસરમાં દરરોજ હિન્દુ-મુસ્લિમ સમાજના સેંકડો લોકો કોઈપણ જાતના ભેદભાવ વગર દર્શનાર્થે આવે છે અને શ્રદ્ધાપૂર્વક માથુ નમાવી ધન્યતા અનુભવે છે.
તેઓ વધુમાં ઉમેરે છે કે, તેમના કુટુંબના વડવાઓ પણ વર્ષોથી આ જગ્યામાં સેવા-પૂજા કરે છે અને તેમના વડવાઓની પરંપરા આજે ૭મી પેઢીએ તેઓ નિભાવી રહ્યા છે. મંદિર અને દરગાહમાં દરરોજ નિત્યક્રમ મુજબ પૂજા-અર્ચનામાં દરગાહમાં લોબાન અને દીવો કરવામાં આવે છે એજ રીતે હનુમાનજીના મંદિરમાં પણ દરરોજ બે ટાઈમ પૂજા-અર્ચના મહમંદશાહ શાહમદાર કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.આ અનોખી જગ્યાના ઈતિહાસ અંગે તેઓએ ઉમેર્યું હતું કે, લગભગ ૩૫૦ વર્ષ પૂર્વે સોનબાઈમાંએ હઝરત સાહેબની ખીદમત કરવા માટે બે આનાના સ્ટેમ્પ પેપર પર લખાણ કરી આ ધર્મસ્થળની જવાબદારી તેઓને સોંપી હતી અને એ બે આનાના સ્ટેમ્પ પેપર પર સોનેરી અક્ષરે લખવામાં આવેલો કરાર આજે પણ તેઓ પાસે મોજુદ છે અને અગાઉ જુમાશાબાપુ, હાજીશાબાપુ, જીવાશાબાપુ, કારુશાબાપુ (અલ્લારખાશાબાપુ), હુસેનશાબાપુ ખીદમત કરતા હતા અને આજે મહમંદશાબાપુ સાતમી પેઢીએ બંને ધર્મસ્થળોની સારસંભાળ રાખી રહ્યા છે.
જોકે આ અદભુત ધર્મસ્થળમાં કોઈપણ વ્યકિત રાત્રી રોકાણ ન કરી શકતી હોવાનું જણાવી મહમંદશાહબાપુ જણાવે છે કે, આ પાકસાફ જગ્યામાં કોઈ મેલીમુરાદ લઈને આવી શકતું નથી. આ ચમત્કારિક જગ્યામાં લોકો શ્રદ્ધાપૂર્વક જે કાંઈ મુરાદ કે માનતા માને તો પીરબાબા અને હનુમાનજી ચોકકસપણે તેઓની મુરાદ પુરી કરતા હોવાનું શ્રદ્ધાળુઓ માની રહ્યા છે અને ફકત વણપરી કે પડધરી જ નહીં પરંતુ દેશ-દુનિયામાંથી આ અનોખા ધર્મસ્થળ પર અસંખ્ય લોકો માથુ ટેકાવવા નિયમિત રીતે આવે છે.ચિરાગ પરમાર નામના શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે, હું નિયમિત રીતે દર રવિવારે અહીં આવું છું અને મારી દરેક મનોકામના બંને ભગવાન પુરી કરે છે.
ઉલ્લેખનીય છે કે, હિન્દુ-મુસ્લિમ સમાજ માટે શ્રદ્ધાના આ ધામમાં જેટલા મુસ્લિમો આવે છે એટલા જ હિન્દુઓ પણ આવે છે અને વણપરી ગામમાં વસવાટ કરતા ક્ષત્રિય, આહિર-બોરીચા, ભરવાડ, સતવારા અને દેવીપૂજક સમાજના લોકોમાં જયારે લગ્નપ્રસંગ હોય છે ત્યારે વરઘોડીયાઓ સૌપ્રથમ આ ધર્મસ્થળે માથુ નમાવે છે અને ત્યારબાદ જ ઘરે જતા હોવાનું પણ સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યાં છે.