‘મારૂ વૃંદાવન’ થીમ આધારિત કાર્યક્રમમાં કાન ગોપી રાસ, મટકી ફોડ અને કૃષ્ણ જન્મોત્સવમાં 150 દિવ્યાંગ બાળકો જોડાયા
શહેરમાં આવેલી પ્રયાસ પેરેન્ટ એસોસિએશન દ્વારા આજરોજ સંસ્થાના દિવ્યાંગ બાળકો માટે કાઠિયાવાડના તહેવારો સાતમ-આઠમની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 150થી વધુ દિવ્યાંગ બાળકો જોડાયા હતા.
‘મારૂ વૃંદાવન’ થીમ આધારીત આજના અનોખા ઉત્સાહ-ઉમંગ સભર કાર્યક્રમમાં દિવ્યાંગો બાળકો પુરા જોમ સાથે વૃંદાવનની કુંજ ગલીમાં રાસ-ગરબામાં ઝુમી ઉઠ્યા હતા. થીમ વાઇઝ બાળકોએ વન, કુવો, મટુકી, હિંડોળો, બાંસુરી જેવો વિવિધ શણગાર કરીને અનોખો કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો. બાળકો કાન-ગોપી બનીને રાસ-ગરબામાં ઝુમી ઉઠ્યા હતા. કાર્યક્રમમાં ‘મટકી ફોડ’નો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ આનંદોત્સવ માણ્યો હતો.
‘પ્રયાસ’ સંસ્થાના સંચાલીકા અને દિવ્યાંગ બાળકોની માતા સમા પુજાબેન પટેલ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સંસ્થા બાળકો-વાલીઓ ઉત્સાહભેર જોડાઇને સંસ્થાના હોલને ‘વૃંદાવન’ બનાવ્યું હતું. સમગ્ર વસ્તુંઓ બાળકો દ્વારા નિર્માણ કરાયેલ હતી.
આવા દિવ્યાંગ બાળકોમાં તહેવારોની ઉજવણી સાથે આપણી સંસ્કૃતિનો ખ્યાલ આવે અને તે પોતાની સ્કીલ દ્વારા વસ્તુ નિર્માણ કરે તેવો હેતુ હતો, તેમ પુજાબેન પટેલે જણાવ્યું હતું.