જય વિરાણી, કેશોદ: હાલ શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવા મંદિરોમાં ભક્તો ઉમટી પડે છે. શિવાલયોમાં શિવલિંગ પર દૂધની ધારા વહેવા લાગે છે. ત્યારે આ દૂધનો અમુક ભાગ જરૂરિયાતમંદો સુધી પહોંચે, ભૂખ્યાના પેટમાં પડે તે માટે જૂનાગઢમાં સેવાભાવી એક માણસે અનોખું અભિયાન શરુ કર્યું છે. આ વ્યક્તિ ઓન્લી ઇન્ડિયનના નામથી ઓળખાય છે. ૭૦ વર્ષીય આ વૃદ્ધધે એક અનોખી મિલ્ક બેંક શરુ કરી છે. ભગવાન ભોળાનાથને ચડવામાં આવતા દૂધને શિવથી જીવ સુધી પહોંચાડવાનું પ્રેરણાદાયી કાર્ય કરે છે. તો આવો જાણીયે કોણ છે આ ઓન્લી ઇન્ડિયન ? અને કેવી છે તેમની મિલ્ક બેંક ?
જૂનાગઢના ૭૦ વર્ષના વૃધ્ધ કહો કે યુવાન એવા ઑનલી ઇન્ડિયન ચલાવે છે અને તે મિલ્ક બેન્ક થકી સાચા અર્થમાં માનવ સેવાનું કાર્ય કરી રહ્યા છે. ભક્તો શીવજીને દૂધ-પાણી અને બિલીપત્રથી અભીષેક કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. ત્યારે શિવાજીને અભિષેક કરવામાં આવતું દૂધ ગટરમાં વહી જતું હોઈ છે. ત્યારે ઓનલી ઇન્ડિયન તરીકેની ઓળખ ધરાવતા આ મહાશય એક મિલ્ક બેન્ક બનાવી શહેરના ગરીબો અને કુપોષિત બાળકોના પેટ સુધી પહોંચાડવાની અનોખી સેવા કરી રહ્યા છે. ઓન્લી ઇન્ડિયન કહે છે કે “ઓ માય ગૉડ” ફિલ્મ જોયા પછી મને તેમાંથી પ્રેરણા મળી અને આ કામ તેમણે શરૂ કર્યુ છે.
છેલ્લા સાત વર્ષથી મિલ્ક બેન્ક ચલાવવામાં આવી રહી છે
આ ઓન્લી ઈન્ડિયનની જો વાત કરીએ તો તે પહેલા સરકારી નોકરી કરતા હતા, અને નિવૃત થયા પછી તેને પોતાનું નામ બદલી નાખ્યું છે. તેઑ કહે છે કે આ તેમનો બીજો જન્મ છે અને હું મારા જુના નામે ઓળખાવવા નથી માંગતો. ઓન્લી ઇન્ડિયન દ્વારા છેલ્લા સાત વર્ષથી આ મિલ્ક બેન્ક ચલાવવામાં આવી રહી છે. એટલે દર વર્ષની જેમ દરેક મોટા શિવાલયોના ટ્રસ્ટીઓ સાથે સંકલન કરીને તેને સમજાવીને સવારે મંદિરમાં દૂધના ખાલી કેન મૂકી જાય છે.
મંદિરમાં આવતા શિવભક્તો પણ ટેવાઈ ગયા છે, તે થોડું દૂધ શિવલિંગ ઉપર ચડાવે છે બાકીનું દૂધ કેનમાં નાખી દે છે, કેન ભરાઈ જતા એક પછી એક મંદીરમાંથી સાયકલ દ્વારા આ દૂધના કેનને સેવાભાવી ડેરીવાળા પાસે લઇ જાય છે જ્યાં બધું દૂધ એકઠું કરીને તેમાં ખાંડ મિક્ષ કરવામાં આવે છે. અને પછી ગરમ દૂધ જરૂરિયાતમંદ સુધી પહોંચાડાય છે.
શિવનું દૂધ જીવ સુધી પહોંચાડવાનું કામ કરું છું- ઓન્લી ઈન્ડિયન
ઓન્લી ઇન્ડિયન કહે છે પહેલા પાંચથી દસ લીટર દૂધ એકઠું થતું હતું. હવે દરરોજ સીતેર લીટર દૂધ એકઠું થાય છે. ત્યાર પછી ઓન્લી ઇન્ડિયન ગરમ અને સ્વાદિષ્ટ દૂધના કેન ભરીને સાયકલ ઉપર નીકળી પડે છે ગરીબ અને ઝુપડપટ્ટી વિસ્તારમાં, જ્યાં ગરીબ મજૂરો નાના બાળકો અને વૃધો રાહ જોઈને બેઠા હોય છે. તેમને બધાને ઓન્લી ઇન્ડિયન દૂધ પીવડાવે છે. ઓન્લી ઇન્ડિયન કહેછે કે હું ફક્ત શિવનું દૂધ જીવ સુધી પહોંચાડવાનું કામ કરું છું,
70 વર્ષની આ ઉંમરે પણ ઓનલી ઇન્ડિયન છેલ્લા 7 વર્ષ થી આવી પ્રેરણાદાયી સેવા કરી રહ્યા છે હવે તેઓ માત્ર શ્રાવણ માસ માંજ નહિ પરંતુ કાયમી માટે આ અનોખું અભિયાન શરુ કરવાની ઈચ્છા ધરાવે છે. આ કામગીરીની સાથે ઓન્લી ઇન્ડિયન સાચા દેશપ્રેમ સાથે જોડાયેલ છે. તેમજ પ્રદુષણ મુક્ત વાતાવરણ માટે હંમેશા સાઇકલ ઉપર પર ફરે છે તે ઉપરાંત પેટ્રોલ બચાવો અને દેશ બચાવો નો સંદેશ આપે છે.