યોજના અન્વયે બે ભિન્ન જ્ઞાતિનાં યુવક-યુવતીના લગ્ન થયે બંન્નેને રૂા.૫૦-૫૦ હજારની સહાય
સમાજના બે ભિન્ન વર્ગોના યુવક અને યુવતી વચ્ચે લગ્નસબંધો થકી સમાજમાં સામાજીક સમરસતાનું વાતાવરણ તૈયાર થાય છે, સામાજિક અંતર ઘટે છે, અને સમાજમાં ઐકય વધે છે.
સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા રાજ્યસરકાર દ્વારા આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અમલી બનાવાઇ છે. જે અંતર્ગત પતિ-પત્ની બન્નેને કુલ રૂા. ૧ લાખની આપવામાં આવે છે. આ સહાય થકી નવદંપતિના ઘર-સંસારની શુભ શરૂઆત થાય છે. હાલમાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજનાના લાભાર્થી સોલંકી મુકેશભાઈ અને તેમના પત્ની મોરી મયુરીબેનને રૂ. ૫૦-૫૦ હજાર મળી કુલ રૂ. ૧ લાખની સહાય આપવામાં આવી છે.
આ યોજનાનો લાભ મળ્યાનો આનંદ વ્યક્ત કરતાં તેઓ જણાવે છે કે આ માત્ર સહાય નથી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા અમને મળેલી સામાજિક અને આર્થિક હૂંફ છે. અમારી ઘરગૃહસ્થીની શુભ શરૂઆત આ રકમથી થઈ છે. અમારા જેમ જ જો સમાજના ભિન્ન વર્ગના લોકો સાંસારિક સંબધોથી જોડાશે તો સમાજમાં સમરસતાનો અનેરોમાહોલ ઉભો થશે.
રાજ્ય સરકાર દ્વારા સવર્ણ જ્ઞાતિની વ્યક્તિ પછાત વર્ગની વ્યક્તિ સાથે લગ્નગ્રંથીથી જોડાય, ત્યારે આ સમાજિક સમરસતાની ભાવનાને પ્રોત્સાહન રૂપે રૂ. ૫૦ હજારની સહાય આપવામાં આવે છે,તેમ સમાજ કલ્યાણ વિભાગ, રાજકોટના નિયામક નયનભાઇ પાનેરીએ જણાવ્યું હતું.