• 500 વર્ષ પહેલા ‘સ્વયંભૂ’ પ્રગટેલા જડેશ્ર્વર મહાદેવનો અનોખો ઇતિહાસ
  • જડીયો વસે જંગલમાંને ઘોડાનો દાતાર, ત્રૂઠ્યો રાવળ જામને હાંકી દીધો હાલાર
  • વાંકાનેરથી 10 કિ.મી. દૂર રતન ટેકરી પર આવેલા જડેશ્ર્વરમાં શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે ‘દાદા’ની ભવ્ય પાલખી યાત્રામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટે છે

બારે માસ બપોરે-સાંજે પ્રસાદની વહેતી સરવાણી

શ્રાવણ માસ દરમિયાન લોકમેળો સહિતના ધાર્મિક કાર્યક્રમોની વણઝાર

સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. તેવી જ રીતે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર પાંચસો વર્ષ કરતા પણ વધુ જુનું સ્વયંભૂ જડેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલ છે તે મંદિરમાં જડેશ્ર્વર દાદા સ્વયંભુ પ્રગટ થયા છે. જેથી જ્યોતિર્લિંગથી પણ વિશેષ મહત્વ આ મંદિરમાં બિરાજતા જડેશ્ર્વર દાદાનું છે. તેમ શંકાને કોઈ સ્થાન નથી.

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામથી આશરે 3 કિમિ દૂર જડેશ્ર્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે. તેનો ઇતિહાસ પણ કંઈક અલગ છે. જડેશ્ર્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના રાજા જામ રાવળનો જન્મ ઈતિહાસિક રીતે સંકળાયેલો છે. તેથી સ્વયંભૂ જડેશ્ર્વરની ગાથા જાણવા માટે પ્રથમ જામરાવળ રાજાનો ઇતિહાસ જાણવો જરૂરી છે. ઇતિહાસમાં એવુ લખાયેલુ છે કે, જામનગરના રાજા જામ રાવળ પૂર્વ જન્મમાં તેવો અરણીટીમ્બા ગામમાં ભરવાડ હતા અને તે ગામમાં પરસોત્તમ સોની રહેતો હતો. જેની ગાયોને ભગવાન ભરવાડ ચરાવવા માટે લઇ જતો હતો.

જો કે, સોનીની એક ગાય પુસ્કળ દૂધ આપતી હતી. પરંતુ જે તે સમયે થોડા દિવસથી ગાય દૂધ જ આપતી ન હતી. જેથી ભરવાડ ગાયને દોહી લેતો હોવાનો આક્ષેપ થયો હતો માટે બીજા દિવસે ભરવાડ અને સોની ગાયનું દુધ ક્યા જાય છે તે જોવા માટે ગાયની પાછળ જાય છે અને જોયું તો ગાય જેને હાલમાં રતન ટેકરી તરીકે લોકો જાણે છે તે ટેકરા પર ચડી ગઇ હતી અને તે ગાય એક ખાડા ઉપર ઉભી રહેતાની સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી હતી. ત્યારે વૃદ્ધ સોની સમજી ગયો કે અહીં ખાડામાં જરૂર કોઈ અદ્રશ્ય દેવ હોવા જોઈએ. જેથી આજુબાજુ સાફ કરતા મહાદેવનું બાણ દેખાયું હતું. તેવુ જડેશ્ર્વર મહાદેવ મંદિરના મહંત રતિભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે.

જડેશ્ર્વર દાદની સ્થાપના થયા બાદ ભરવાડ અને સોની હંમેશા મહાદેવની પૂજા કરવા માટે જતા હતા તે સમયે સોની ભરવાડને કહેતા કે, આ સ્વયંભૂ ચમત્કારી દેવ છે. જો કોઈ પણ કમળપૂજા કરે તો તે જરૂર આવતા જન્મમાં તે રાજા બને છે માટે ભરવાડે મનોમન મહાદેવની કમળપૂજા કરવાનો નિશ્ર્ચર્ય કર્યો હતો અને 20 વર્ષ બાદ ગોરની સલાહ લઇ ભરવાડે બપોરે મહાદેવ પાસે બેસીને કમળપૂજા કરી તીક્ષ્ણ હથિયાર વડે પોતાનું માથું કાપી નાખીને કમળપુજા કરી હતી ત્યારે તેનું માથું મહાદેવને અથડાયને અરણીના વાડામાં પડતા ખોપરીમાંથી અરણીનું વૃક્ષ ઉગી ગયું હતું. જો કે, મહાદેવ ભરવાડની શ્રદ્ધાથી પ્રસન્ન થયા હતા અને ભરવાડનો બીજો જન્મ જામ રાવળ તરીકે થયો હતો.

પરંતુ અરણીનું વૃક્ષ ભગવાન ભરવાડની ખોપરીમાંથી ઉગ્યુ હોવાથી જ્યારે જ્યારે પવનથી તે વૃક્ષ હલે એ સમયે જામ રાવળને માથામાં દુ:ખાવો થતો હતો. જેથી રાજાને અરણીનું તે વૃક્ષ કાપવા કહ્યું હતું અને ત્યાર બાદ રાજા હંમેશા ત્યાં આવી પૂજા કરતા હતા. તે સમયથી શરૂ કરેલ પૂજા નિમિતે દર મહિને 50 રૂપિયા આજે પણ જામનગરની સરકાર તરફથી મંદિરને મોકલવામાં આવે છે. આટલું જ નહી જ્યા ભગવાન ભરવાડનું માથુ પડ્યુ હતુ ત્યા હાલમાં રાવળેશ્ર્વર મહાદેવનું મંદિર છે અને કોઇપણ વ્યક્તિને માથાનો દુ:ખાવો હોય તો તે માનતા રાખીને ત્યા નાળિયેર મુકી જાય તો તેને માથાના દુ:ખાવામાંથી મુક્તિ મળે છે. તેવું આ મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું છે.

દેવાધી દેવ મહાદેવ કૈલાસપતિ બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતના પ્રત્યેક વિસ્તારમાં વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે જો કે, આ બાર પૈકી પહેલું અને સર્વ શ્રેષ્ઠ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ છે અને જડેશ્ર્વર મહાદેવ મંદિર રતન ટેકરી નામે જાણીતું હતું ત્યારે વાંકાનેરના રાજવી પરિવારના સંબંધી વડોદરાના દિવાનને રક્તપિત્તનો રોગ હતો. જે કોઇ રીતે મટતો ન હતો ત્યારે કોઇએ કહ્યુ કે, જડેશ્ર્વરની આસ્થાથી પુજા કરશો તો મટી જશે. જેથી તેમણે હાલનું જડેશ્ર્વર મહાદેવનું મંદિર છે તે વિ.સં.1869માં ભવ્ય શિવાલય બંધાવ્યું હતું. આ શિવાલય આજે ભવ્ય તિર્થસ્થાન બની ગયું છે. દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્ર્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ હોવાથી પ્રાગોત્સવની ઉજવણી કરવામાં આવે છે.દર વર્ષે શ્રાવણ મહિનામાં ગુજરાત અને દેશના અન્ય રાજ્યમાંથી ભૂદેવો દાદાની સેવા-પૂજા કરવા માટે આવતા હોય છે. તેઓના માટે રહેવા, જમવા સહિતની સુવિધા ત્યાં દાતાના સહયોગથી કરવામાં આવેલ છે. અને કુદરતી સૌર્દ્યની વચ્ચે વાંકાનેર નજીક રતન ટેકરી ઉપર જડેશ્ર્વર મહાદેવ મંદિર આવેલુ છે. ત્યાં શિવજીના દર્શનની સાથોસાથ કુદરતી સૌંદર્યનો લાભ લેવા માટે શ્રાવણ માસમાં લાખો લોકો આવે છે.

ગૌશાળામાં 200 ગૌવંશોનો નિભાવ કરવામાં આવે છ

અહીં એક ગૌશાળા છે. જેમા હાલમાં 200 જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને ગૌશાળામાં ગૌવંશોનો નિભાવ કરવા માટે ગૌશાળા પાસે આવકોનો કોઇ સ્ત્રોત નથી. પરંતુ મંદિરે દર્શન કરવા માટે આવતા શિવભક્તો તરફથી મળતા દાનની રકમ તેમજ મંદિરની વાર્ષીક આવકમાંથી ગાયોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. તેવુ લઘુમહંત જીતુભાઇ રતિલાલજી ત્રિવેદીએ જણાવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.