દરેક ઘરમાં ધડીયાળ જોવા મળે જ છે. ઘડિયાળ એ માત્ર સમયની નોંધ રાખવાનું સાધન નથી, પરંતુ તે વ્યક્તિના જીવન પર વિશેષ અસર કરે છે. તેથી ઘર કે ઓફિસમાં ઘડિયાળ લગાવતા પહેલા તેની સાચી દિશા અને વાસ્તુના નિયમોને જાણવું જરૂરી છે. તેમજ વિશ્વની તમામ ઘડિયાળ એક જ દિશામાં ચાલે છે. આપણે તમામ ઘડિયાળને ડાબી બાજુથી જમણી બાજુ ચાલતા જોઈ છે. પરંતુ એક એવી ઘડિયાળ છે, જે ઘડિયાળ ઊંધી દિશામાં ચાલે છે અને સમય પણ સાચો બતાવે છે. જે “આદિવાસી ઘડિયાળ” તરીકે ઓળખાય છે.
બિરસા મુંડાના ફોટાવાળી ઘડિયાળની અલગ દુનિયા
આદિવાસી સમાજ આજે પણ પોતાની પરંપરા ભૂલ્યા નથી. પોતાની પરંપરા પ્રમાણે તેઓ તમામ કાર્યો જમણીથી ડાબી તરફ કરી રહ્યા છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાં આદિવાસી સમુદાયના લોકોના ઘરોમાં પ્રવેશ કરીએ ત્યારે દીવાલ પર અલગ જ પ્રકારની ઘડિયાળ જોવા મળે છે. જે સમય જોવા માટે બનાવેલી તમામ ઘડિયાળો ડાબીથી જમણી તરફ ફરે છે. પરંતુ આદિવાસી સમાજે બનાવેલી ઘડિયાળ એવી છે, જે જમણીથી ડાબી તરફ ફરે છે અને સમય પણ સાચો જ બતાવે છે.
બ્રહ્માંડ, વિજ્ઞાાન, ધર્મ અને પ્રકૃતિ સાથે તાલ મિલાવતી આ આદિવાસી ઘડિયાળ હાલ આદિવાસી પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તેમજ આદિવાસી સમુદાયના લોકોએ પોતાની વર્ષો જૂની માન્યતા મુજબ જમણીથી ડાબી તરફ ફરતી ઘડિયાળ બનાવી છે. બિરસા મુંડાના ફોટાવાળી આ ઘડિયાળ દુનિયાની અન્ય ઘડિયાળ કરતાં અલગ જ છે. તેમજ બિરસા મુંડા આદિવાસી સમાજમાં આદરણીય મનાય છે. તેથી આ ઘડિયાળમાં બિરસા મુંડાનો ફોટો રાખ્યો છે, તેની સાથે જય જોહર, જય આદિવાસી લખેલ આદિવાસી ઘડિયાળ પણ જોવા મળે છે.
જાણો શું છે માન્યતા
આદિવાસી સમાજનું માનવું છે કે, આદિવાસીઓ પ્રકૃતિના પૂજક છે, તેમજ તેમના મતે બ્રહ્માંડની આસપાસ ફરતાં પૃથ્વી સહિતના અન્ય ગ્રહો જમણેથી ડાબી તરફ ફરે છે. ફૂલ-વૃક્ષની વેલ જમણાથી ડાબી તરફ વધે છે, પૃથ્વી પણ પોતાની ધરી પર જમણેથી ડાબા પડખે ફરે છે. આ તમામ માન્યતાને ધ્યાનમાં રાખી આદિવાસી સમાજ જમીન ખેડવા માટે જમણી તરફથી હળ ચલાવી ખેતી કરતાં હોય છે. આ ઉપરાંત હાથથી ફેરવવામાં આવતી અનાજ દળવાની ઘંટી જમણી તરફથી ફેરવીને અનાજ દળતાં હોય છે. જ્યારે લગ્નના ફેરા પણ જમણી તરફથી ફેરવતા હોય છે અને લગ્નમાં ઢોલ શરણાઈ દ્વારા આદિવાસી નૃત્ય રમાય છે તે પણ જમણી તરફથી રમાય છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.