- કોલેજમાં સવાર-સાંજ મહાઆરતી-મહા પ્રસાદ સાથોસાથ મોદક સ્પર્ધા, પુશઅપ સ્પર્ધા અને પાણીપુરી સ્પર્ધામાં
- બહોળી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લીધો: અગલે બરસ જલ્દી આનાના નાદ સાથે કાલે બાપાનું વિસર્જન
સમગ્ર સૌરાષ્ટ્ર ગણપતી મય વાતાવરણ વચ્ચે રાજકોટની એચ.એન.શુક્લ કોલેજ ખાતે દુંદાળાદેવની સ્થાપના કરવામાં આવી છે. કોલેજમાં સવાર-સાંજ ગણપતિબાપાની પૂજા-આરતી સાથોસાથ વિવિધ સ્પર્ધાઓ અને મહાપ્રસાદ પણ યોજવામાં આવે છે.જેનો બહોળી સંખ્યા ભક્તો લાભ લે છે. આ સંદર્ભે કોલેજના પ્રોફેશર-કર્મચારીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, કોલેજના પટાંગણમાં ગણપતિબાપાને બિરાજવામાં આવ્યા છે.
સવાર-સાંજ આરતીમાં હજારો વિધાર્થીઓ અને આજુબાજુ વિસ્તારના લોકો મહાઆરતીનો લાભ લે છે. ત્યારે ખાસ તો ચાલુ વર્ષે દુંદાળાદેવ સ્થાપના સાથે જ દરરોજ વિવિધ સ્પર્ધાઓ કોલેજના વિધાર્થીઓ માટે યોજાઈ રહી છે. સાંજે વિવિધ સ્પર્ધા ત્યારબાદ આરતી અને મહાપ્રસાદનો લાભ ભક્તો લે છે અને ધન્યતા અનુભવે છે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, મોદક સ્પર્ધા, પુશઅપ સ્પર્ધા અને પાણીપુરી સ્પર્ધામાં 100થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મોદક સ્પર્ધામાં બીબીએ સેમ-3ના વિધાર્થી શ્યામ કટ્ટા વિજેતા થયા હતા. તેમને સૌથી વધુ નવ લાડુ ખાયા હતા. આ ઉપરાંત પાણીપુરી સ્પર્ધામાં બીએ સેમ-5ના વિધાર્થી પાર્થ દવે વિજેતા રહ્યા હતા. બંને વિધાર્થીઓને રોકડ પુરષ્કાર આપી નવાજવામાં આવ્યા હતા.
એચ.એન.શુક્લ કોલેજના ગણેશ મહોત્સવ માટે કોલેજના ટ્રસ્ટી ડો.નેહલભાઈ શુક્લ, મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલભાઈ રૂપાણીના નેજા હેઠળ તમામ ફેકલ્ટીના હેડ, પ્રોફેશર, કર્મચારી અને વિધાર્થીની કમિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે લાલપરી તળાવ ખાતે બાપાનું વિસર્જન કરવામાં આવશે. કાલે વિસજર્ન વેળાએ કોલેજમાં ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન રાખેલ છે જેમાં કોલેજના હજારો વિધાર્થીઓ જોડાશે અને ડીજેના તાલે ગરબા ઘૂમી ગણપતિબાપાને વિદાય આપશે. કોલેજમાં ગણપતિ મહોત્સવ સિવાય પણ અનેક વિવિધ સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમાં કોલેજના દરેક વિધાર્થી સહભાગી બને છે.