ગુજરાત ભારતનું વિકાસ એન્જિન બની ગયું છે તેમ છતાં પણ હજુ ગુજરાતમાં શિક્ષિત અને અશિક્ષિત એટલે કે અભણ બંને વર્ગ છે જેઓ દવા અને દુઆ બંનેમાં માને છે અને જેનો લાભ લઈને અમુક કહેવાતા ભુવાઓ અંધશ્રદ્ધામાં લોકોને છેતરી લાખોનું ફૂલેકું ફેરવી રફુચક્કર થઈ જાય છે ત્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં એવી જ એક ઘટના સામે આવેલી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગોલા ગામમાં ભુવાઓએ મળી ષડયંત્ર રચી નવરાત્રીમાં એક પેઢી પરિવારને કહ્યું કે 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે ચેહર માતાની માનતા રાખવી પડશે !! દુઃખી થયેલા પરિવારે આ વાત સ્વીકારી અને ત્યારબાદ થોડા મહિના સારું રહ્યું, જેની જાણ ભુવાઓને થતા તેઓએ આ પરિવારની પાસે આવી કહ્યું હવે તમારે અમે કહી તેમ કરવું પડશે, નહીંતર ફરીથી દુઃખ શરૂ થશે અને દુઃખથી બચવા એક રૂપિયાથી એક કરોડ સુધીનો ખર્ચ થશે.
અંધશ્રદ્ધામાં આવી ગયેલા બંને ભાઈઓએ રૂપિયા 20 લાખ રોકડા અને 15 લાખ ઉછીના એમ કુલ 35 લાખ લાવીને 11 ડિસેમ્બરના રોજ ઘરમાં વિધિ દરમિયાન આપ્યા હતા તેમજ વિધિમાં ૧૭૦૦૦૦ રૂપિયાની ચાંદીની પાટો પણ આપી હતી.
ગુજરાતના વિવિધ વિસ્તાર અને ખાસ કરીને રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રને લગતા સરહદી વિસ્તારમાં આદિવાસી તેમજ અન્ય જાતિના લોકો અવારનવાર આવી અંધશ્રદ્ધા અને છેતરપિંડીના ભોગ બનતા હોય છે હાલ ગુજરાત આધુનિક યુગમાં પ્રવેશી ગયું હોવા છતાં પણ આવા કિસ્સા બને તે સાચે જ શરમજનક છે.
આ પીડિત પરિવારને છેતરાયાનો અહેસાસ થતાં વિધિ દરમિયાન ઉતારેલ વિડીયો પોલીસને આપી અને ગુનો દાખલ કરાવેલ છે હવે જોવું રહ્યું કે આવા અંધશ્રદ્ધાના વરવા કિસ્સામાં પોલીસ કેવી અને કેટલી કાર્યવાહી કરે છે.