કાલે નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની બેઠક: અલગ-અલગ 13 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અલગ-અલગ 81 શાળાઓમાં હાલ એક સમાન પ્રાર્થના ગવાતી નથી. આગામી દિવસોમાં તમામ શાળાઓમાં એક સમાન પ્રાર્થના અને ત્યારબાદ ફરજીયાત પણે રાષ્ટ્રગીતનું ગાન કરવું ફરજીયાત કરવામાં આવશે. આ અંગે આવતીકાલે મળનારી શિક્ષણ સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. કાલે મળનારી શિક્ષણ સમિતિની બેઠકમાં અલગ-અલગ 13 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. જેમાં શાળાઓના વેરા બિલના ખર્ચ અંગે ચર્ચા-વિચારણા કરી તેને ફાઇલ કરવામાં આવશે. શાળા નં.69ના મેદાનમાં બનાવવામાં આવેલ નવું બિલ્ડીંગ શ્રીસરોજીની નાયડુ હાઇસ્કૂલને સોંપવા તથા જૂના બિલ્ડીંગમાં ચાલતી શ્રીસરોજીની નાયડુ હાઇસ્કૂલનું મકાન પ્રયાસ સંસ્થાને સોંપવા અંગે નિર્ણય લેવાશે, શિક્ષણ સમિતિનું બેંક ખાતુ ખોલાવવા બહાલી અપાશે, શાળા પ્રવેશોત્સવ દરમિયાન ખર્ચને બહાલી અપાશે.
100 ટકા ગ્રાન્ટેબલ કર્મચારીઓને મેડીકલ સહાય આપવા વિચારણા કરાશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની કમિટી જેવી કે બાંધકામ સમિતિ, સાંસ્કૃતિક સમિતિ અને વ્યવસ્થા અને શિસ્ત સમિતિ અને વહિવટી કમિટિ બનાવવા ચર્ચા-વિચારણા કરવામાં આવશે. સર્વે શિક્ષા અભિયાન અંતર્ગત કરવામાં આવતા બાંધકામ માટેનો ખર્ચ મંજૂર કરવામાં આવશે. શાળાઓ માટે બાલભારતી પુસ્તક શ્રેણી ખરીદવા, શાળાઓને ફાળવેલી ગ્રાન્ટને બહાલી આપવા અને શિક્ષકોને ધ કાશ્મિર ફાઇલ બતાવવા માટે થયેલા ખર્ચને મંજૂરી આપવામાં આવશે.