• આમદખોર કુતરાઓએ એકાદ સપ્તાહ પૂર્વે નાના પાડોનો શિકાર કર્યો’તો: બાળકના મૃતદેહનું જામનગર મેડિકલ કોલેજમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું
  • આઠ વર્ષની બાળકી પોતાના ભાઇના પુત્રને બચાવવા પ્રયાસ કર્યો પરંતુ કુતરા બે વર્ષના બાળકને સીમમાં ઢસડી ગયા

સિંહ અને દિપડા જેવા માનવ ભક્ષી પ્રાણીઓ શિકારની શોધમાં અવાર નવાર માનવ પર હુમલા કરતા હોય છે. પરંતુ માણાવદરના ગણા ગામે ત્રણ ડાઘીયા કુતરાઓએ એક સપ્તાહ પૂર્વે એક નાના પાડાનો શિકાર કર્યા બાદ ગઇકાલે સવારે ખેત મજુર દંપત્તીના એકના એક પુત્ર પર એક સાથે ત્રણ કુતરાએ હુમલો કરી ફાળી ખાતા શ્રમજીવી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે.

મુળ છોટા ઉદેપુર તાલુકાના નાનાવાટા ગામના વતની અને છેલ્લા પાંચેક વર્ષથી ચોમાસાની સિઝનમાં માણાવદરના ગણા ગામે ખેત મુજરી માટે આવતા જગદીશભાઇ રાજુભાઇ રાઠવાના બે વર્ષનો એકનો એક પુત્ર રવિન્દ્ર ખેતર પાસે રમતો હતો ત્યારે ત્યાં ઘસી આવેલા ત્રણ કુતરા રવિન્દ્ર પર હુમલો કરી સીમ તરફ ઢસડી જતા હોવાથી બાળક સાથે રહેલી આઠ વર્ષની ફઇબા પિન્કીએ પોતાના ભાઇના પુત્ર રવિન્દ્રને કુતરાના મોઢામાંથી બચાવવા પથ્થર મારતા કુતરા તેની પાછળ તોડતા પિન્કી ભાગી ગઇ હતી અને રવિન્દ્રના પિતા જગદીશભાઇ રાઠવાને જાણ કરી હતી.

જગદીશભાઇ રાઠવા અને તેમની પત્ની રૂકમા રવિન્દ્રને શોધવા સીમમાં ગયા તે દરમિયાન ત્રણેય ડાઘીયા કુતરા રવિન્દ્રને સીમમાં ઢસડી જઇ આખા શરીરે બટકા ભરી લીધા હોવાથી ગંભીર રીતે ઘવાયો હતો તેમજ ઢસડવાના માથામાં ઇજા થઇ હોવાથી 108ને જાણ કરી હતી. પંરતુ લાંબો સમય થવા છતાં 108ની મદદ ન મળતા જગદીશભાઇ રાઠવા પોતાના પુત્ર રવિન્દ્રને બચાવવા બાઇક પર માણાવદર જવા રવાના થયા હતા તે દરમિયાન ઉટડી અને વેરવા પહોચ્યા ત્યારે રવિન્દ્રએ અંતિમ શ્ર્વાસ લીધા હતા ત્યારે 108નો સ્ટાફ ત્યાં પહોચી જોઇ તપાસીને રવિન્દ્રનું મોત નીપજ્યાનું જાહેર કરી પોસ્ટમોર્ટમ માટે માણાવદર હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી હતી.

માણાવદર હોસ્પિટલના સ્ટાફે રવિન્દ્ર પર હુમલો કરનાર માનવ ભક્ષી કુતરા હડકાયા હોવાની શંકા સાથે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જામનગર મેડિકલ કોલેજમાં પોસ્ટ મોર્ટમ માટે લાશને લઇ જવામાં આવી છે.

તાજેતરમાં જ જાફરાબાદના બાબરકોટમાં સિહણે છ વ્યક્તિઓ પર હુમલો કર્યાની ઘટનાથી વન વિભાગ દ્વારા દોડધામ કરી આમદખોર બનેલી સિંહણનેને ઝડપી લીધી છે. તે દરમિયાન માણાવદરના ગણા ગામે માનવ ભક્ષી કુતરાએ હુમલો કરી બે વર્ષના માસુમ બાળકને ફાળી ખાતા માણાવદર પંથકમાં કુતરાના અંતકથી ફફડાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.