બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઠરાવ
ગોવામાં દેશની સર્વોચ્ચ લો યુનિવર્સિટીના નિર્માણના ઠરાવને બહાલી
નવી દિલ્હી ખાતે યોજાયેલી ખાસ બેઠકમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન મિશ્રાએ ગુજરાત સહિત દેશની તમામ બાર કાઉન્સિલો દ્વારા હાથ ધરાયેલી વકીલોના વેરિફિકેશન ફોર્મની કાર્યવાહી કોરોના કાળના બે વર્ષ કોરોનાને કારણે બંધ રહ્યા બાદ પ્રક્રિયા પૂર્ણ કરવા દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સિલના બોર્ડનો સમયગાળો બે વર્ષ વધારવાનો ઠરાવ બહુમતીથી પસાર કર્યાની ઘોષણા કરી હોવાનું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું.
ગઈ તારીખ 3/ 9/ 2022 ને શનિવારે યોજાયેલી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની આ બેઠકમાં ઠરાવો તમામ બાર કાઉન્સિલ અને હાઇકોર્ટના મેમ્બરોને આપવામાં આવ્યા હતા, તેના ઉપર ઘનિષ્ઠ ચર્ચા અને ચેરમેને પ્રતિભાવો આપ્યા બાદ તમામ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતા. આ ઠરાવોમાં જિલ્લા સ્તરે વકીલોના ફેડરેશન બનાવવા તેમાં લોકલ પ્રશ્નો ડીસ્ટ્રીક્ટ લેવલે અને બાર કાઉન્સિલ લેવલે પતાવી તાલુકા સુધી સંબંધો જળવાઈ રહે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત દેશની તમામ બાર કાઉન્સિલો દ્વારા વકીલોના વેરિફિકેશન હોમ ભરવામાં આવેલા છે જે કોરોના કાળ દરમિયાન બે વર્ષ સુધી વેરિફિકેશન થઈ શકેલ ન હોય આ પ્રક્રિયા પૂર્ણ કરવા તમામ બાળકો નો સમય ગાળો બે વર્ષ વધારવાનો ઠરાવ બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ તમામ બાર કાઉન્સિલોમાં ચાલતી વકીલો સામેની ગેરવર્તણૂકની ફરિયાદોનો નિકાલ એક વર્ષમાં ફરજિયાત કરવાનો ઠરાવ કરાયો હતો, સરકાર દ્વારા મેડિકલ કમિશન બનાવી અને ડોક્ટરોના સંગઠનની પાંખો કાપેલ તેમ અમુક બ્યુરોક્રેટ અધિકારીઓ બાર કાઉન્સિલને પણ ખતમ કરવા અને તેની સત્તા હડપ કરવા માંગતા હોય તેનો વિરોધ કરવાનો બહુમતીથી નિર્ણય લેવાયો હતો. આ તકે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 50 એકર જમીનમાં દેશની સર્વોચ્ચ લો યુનિવર્સિટીના નિર્માણને મંજૂર કરતો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. આ બધા ઠરાવોને દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સિલના હોદ્દેદારોએ સર્વાનુમતે મંજૂરી આપી ઠરાવો મંજૂર કરાયા હોવાનું મેમ્બર દિલીપ પટેલે જણાવ્યું હતું.
બી.સી.આઈ દ્વારા સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ યુ. યુ. લલિતનું સન્માન
સુપ્રીમ કોર્ટમાં નવનિયુક્ત થયેલા ચીફ જસ્ટિસ યુ. યુ. લલિતનું અદકેરું સન્માન કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના સોલિસિટર જનરલ તુષાર મહેતા તેમજ એડિશનલ સોલિસિટર બેનર્જી ઉપરાંત બી સી આઈના અને હાઇકોર્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં બીસીઆઇના ચેરમેન મનનકુમાર મિશ્રાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જેના પ્રતિભાવમાં ચીફ જસ્ટિસ યુ. યુ. લલિતે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.